જામનગર મહાનગરપાલિકા ચૂંટણી પૂર્વે રાજકીય હલચલ તેજ બની છે. ખાસ કરીને કોંગ્રેસના ગઢ ગણાતા વોર્ડ નંબર 12 માં આજે મોટો રાજકીય ફેરફાર જોવા મળ્યો છે. વોર્ડ નંબર 12ના કોર્પોરેટર જેનબબેન ખફી, કોર્પોરેટર અસલમભાઈ ખીલજી, કોર્પોરેટર ફેમીદાબેન જુણેજા અને સંધિ સમાજના પ્રમુખ રિઝવાન જુણેજા અને તેમના ટેકેદારો સહિત આમ આદમી પાર્ટીમાં પ્રવેશ મેળવ્યો. મોટી સંખ્યામાં સમર્થકો સાથે આમ આદમી પાર્ટીમાં રોડ-શો બાદ જોડાયા હતા.
આમ આદમી પાર્ટીના નેતાઓ ગોપાલ ઈટાલિયા તથા હેમંત ખવાની હાજરીમાં આ રોડ શો અને બાદ ટાઉન હોલમાં જાહેર સભા કાર્યક્રમ યોજાયો હતો. શહેરના અનેક વિસ્તારોમાં યોજાયેલા રોડ-શોમાં ઉત્સાહજનક માહોલ સર્જાયો હતો અને મોટી સંખ્યામાં સ્થાનિક યુવાનો તથા કાર્યકરો AAPનો ઝંડો પકડીને જોડાતા જોવા મળ્યા હતા.
આ જોડાણ સાથે વોર્ડ-12માં કોંગ્રેસ માટે મોટું ગાબડું સર્જાયું છે. પરંપરાગત રીતે કોંગ્રેસ મજબૂત ગઢ ગણાતા આ વોર્ડમાં ત્રણ કોર્પોરેટરો સહિત અનેક આગેવાનો અને મોટા સંખ્યામાં સમર્થકો AAPમાં જોડાતા હવે સ્થાનિક રાજકારણના સમીકરણોમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. રોડ શો દરમિયાન વોર્ડ નંબર 12ના ત્રણ કોર્પોરેટરો દ્વારા રોડ શોમા શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યુ હતુ.


