અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને બુધવારે ગુપ્તચર એજન્સીઓને કોવિડ-19 (કોરોના વાયરસ) મહામારીનું જન્મ સ્થાન શોધવા બમણો પ્રયત્ન કરવા નિર્દેશ આપ્યો હતો. બાઈડને એજન્સીઓને 90 દિવસની અંદર વાયરસનું જન્મ સ્થાન શોધીને રિપોર્ટ જમા કરાવવા કહ્યું હતું.
તેમણે જણાવ્યું કે, કોરોના વાયરસ કોઈ સંક્રમિત જાનવરના માનવીય સંપર્કથી ઉભર્યો છે કે કોઈ લેબ દુર્ઘટનાએ આ મહામારીને જન્મ આપ્યો છે તે નિષ્કર્ષ શોધવાના સાક્ષીઓ અપૂરતા છે. તેમણે અમેરિકી રાષ્ટ્રીય પ્રયોગશાળાઓને સંશોધકોને મદદ કરવા નિર્દેશ આપ્યો હતો અને ચીનને આંતરરાષ્ટ્રીય તપાસમાં સહયોગ આપવા વિનંતી કરી હતી. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન એ સિદ્ધાંતનો ફરી અભ્યાસ કરી શકે છે જેમાં કોરોના વાયરસનું ઉત્પત્તિ સ્થાન ચીનની વુહાન લેબ માનવામાં આવે છે અને ત્યાંથી જ તે સમગ્ર વિશ્વમાં ફેલાયો હતો.
આ બધા વચ્ચે અત્યાર સુધીમાં વિશ્વના 16.85 કરોડ લોકો સંક્રમિત થઈ ચુક્યા છે જ્યારે 35.01 લાખ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. એક અહેવાલ પ્રમાણે ચીનમાં જ્યારે સૌથી પહેલી વખત આ બીમારી ફેલાઈ હતી ત્યારે કોરોના વાયરસ માટે જાનવરોની વ્યાપક તપાસ પર ચીની ડેટાની અવગણના કરવામાં આવી હતી. કોરોના વાયરસની ઉત્પત્તિ મુદ્દે અમેરિકાએ ફરી એક વખત ચીન પર પારદર્શી તપાસનું દબાણ બનાવ્યું છે.
90 દી’માં કોરોનાનું જન્મસ્થાન શોધી કાઢવા બાઇડનનો આદેશ
અમેરિકી રાષ્ટ્રીય પ્રયોગશાળાઓને સંશોધકોને મદદ કરવા નિર્દેશ આપવામાં આવ્યો