આજે તા. 3 જૂન વર્લ્ડ સાયકલિંગ-ડે પર લોકોમાં જાગૃતતા ફેલાવવાના હેતુથી જામનગર સાયકલિંગ કલબ દ્વારા એક સાયકલિંગ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આશરે 300થી 350 જેટલા સભ્યો ધરાવતી જામનગર સાયકલિંગ કલબ દ્વારા 10 કિ.મી. જેટલું સાયકલિંગ રેલી યોજાઇ હતી. જેમાં નાના બાળકોથી લઇને 65 વર્ષના 50 સભ્યોએ આ સાયકલ રેલીમાં ભાગ લીધો છે. આ ઇવેન્ટ જામનગરના સાયકલિંગપ્રેમી લોકો માટે વિનામૂલ્યે યોજવામાં આવી હતી. આ રેલીની શરુઆત લાખોટા તળાવના ગેટ નં. 1થી શરુ કરવામાં આવી હતી અને લોકો તેમાં ઉત્સાહપૂર્વક જોડાયા હતાં.
તેમજ જામનગરની ગર્વમેન્ટ ડેન્ટલ કોલેજ તેમજ હોસ્પિટલ દ્વારા એક સાઈકલ રેલીમાં ડેન્ટલ કોલેજના વિદ્યાર્થીઓ તેમજ ડેન્ટલ હોસ્પિટલના તમામ સ્ટાફગણ માટે યોજવામાં આવી હતી. આ સાઈકલ રેલીનો મુખ્ય ઉદેશ લોકોમાં ટોબેકો ને લઇને જાગૃતતા ફેલાવવાનો હતો. વ્યસન મુકિતના સુત્રો સાથે ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તેમજ સ્ટાફના મેમ્બરો આ રેલીમાં જોડાયા હતાં. વી નીડ ફૂડ એન્ડ નો ટોબેકો ના સૂત્ર સાથે વ્હાઈટ રેડ ટીસર્ટના ડે્રસકોડ સાથે ડેન્ટલ કોલેજના મેઈન ગેઈટથી આ રેલી કોલેજના ડીન ડો. નયના પટેલના હસ્તે પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. જેમાં દરેક ભાગ લેનારને સર્ટીફિકેટ પણ આપવામાં આવ્યું હતું.