જામનગરમાં ભોઇસમાજ દ્વારા દર વર્ષે હોલિકાદહનનો કાર્યક્રમ યોજવામાં આવે છે. જેમાં સૌથી મોટું હોલિકાનું પૂતળું તૈયાર કરવામાં આવે છે. આ વર્ષે પણ આગામી તા. 02 માર્ચના યોજાનાર હોલિકાદહન મહોત્સવની તડામાર તૈયારી ભોઇસમાજ દ્વારા કરાઇ રહી છે.
ભોઈજ્ઞાતિ સમસ્ત જામનગર દ્વારા પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ વિશ્વ વિખ્યાત હોલિકા મહોત્સવ 2026નું ભવ્ય અને દિવ્ય આયોજન થવા જઈ રહ્યું છે. જેના કન્વિનર તરીકે હર્ષ નીતિનભાઈ મહેતા અને તેમના ગ્રુપને જવાબદારી સોંપવામાં આવી છે.
સનાતન હિન્દુ ધર્મગ્રંથમાં દર્શાવેલ વાર્તા ભક્ત પ્રહલાદ અને હોલિકા ફઈબાની કથા આધારિત પ્રતિકૃતિ સ્વરૂપે ભોઇજ્ઞાતિ સમસ્ત જામનગરના વડીલો દ્વારા આજથી સાત દાયકાઓ એટલે કે 70 વર્ષે પહેલાં હોલિકાનું વિશાળ પૂતળું બનાવી સમાજ અને દુનિયાને હિન્દુ ધર્મની શકિતનો પરિચય કરાવ્યો હતો.
View this post on Instagram
એકતરફ ભગવન વિષ્ણુના પરમ ભક્ત પ્રહલાદ જ્યારે બીજીતરફ રાક્ષસી માનસિકતા ધરાવતા ભક્ત પ્રહલાદ ના પિતા હિરણ્યકશ્યપ અને પ્રહલાદના ફઈબા એટલે કે હોલિકા ફઈબા ભક્ત પ્રહલાદ ને ભગવાન વિષ્ણુની ભક્તિ છોડાવવા અનેક પ્રકારની યાચનાઓ (પીડાઓ) આપવામાં આવી હતીઉ જેમાંનો એક પ્રસંગ એટલે કે હોલિકા ફઈબાનું દહન અને પ્રહલાદનો આબાદ બચાવ સાથે જ અસત્ય ઉપર સત્યની જીતનો એક યાદગાર પ્રસંગ.
ભોઈસમાજના લોકો હોલિકા ઉત્સવને ઉજવવા એક મહિના પહેલાથી તૈયારીઓમાં લાગી જાય છે અને પ્રકૃતિને અનુરૂપ સામગ્રી જેમાં ઘાસ, લાકડું, કોથરા, કાગળ, કલર, આભૂષણ માટે અલગ અલગ પ્રકારના ઓર્નામેન્ટ, કપડાં વગેરે ચીજ વસ્તુનો ઉપયોગ કરી એક વિશાળ હોલિકાનું પૂતળું બનાવે છે. જેનું વજન અંદાજીત 3/4 ટન જેટલું હોય છે. જ્યારે ઉંચાઈ લગભગ 25 ફુટ થી વધુ હોય છે આ વિશાળ પુતળાને લઈ વાજતે ગાજતે ભોઇજ્ઞાતિ સમસ્ત જામનગરની વાડીથી સુભાષ માર્કેટ નજીક આવેલ હોલિકાચોક ખાતે લોકોને દર્શન માટે મુકવામાં આવે છે.
હોલિકા બનાવવા ભરતભાઈ ગોંડલીયા માર્ગદર્શન પૂરુંપાડે છે જ્યારે હોલિકાના આભૂષણો બનાવવા શનિભાઈ કુંભારાણા અને તેમની ટીમ જહેમત ઉઠાવે છે.
તેમજ પી.ઓ.પી આર્ટિસ્ટ તરીકે રમેશભાઈ જેઠવા સેવા આપે છે અને સમગ્ર ભોઈસમાજના વડીલો અને યુવાનો સાથે મળી આ હોલિકાનું પૂતળું તૈયાર કરે છે.
સાંજના સમયે આમંત્રિત મહેમાનો ના વરદહસ્તે હોલિકાનું દહન કરવામાં આવે છે.
તારીખ 02-3-2026 ને સોમવારના રોજ સાંજના સમયે હોલિકાનું દહન કરવામાં આવનારા છે. જેને હજારોની સંખ્યામાં લોકો હોલિકા દહનને નિહાળવા પહોંચે છે અને અધર્મ ઉપર ધર્મની જીતના લોકો સાક્ષી બને છે.
આમ, સમગ્ર વિશ્ર્વને સનાતન ધર્મનો સાક્ષાત્કાર કરાવતો હોલિકા મહોત્સવ ભોઇજ્ઞાતિ સમસ્ત જામનગર દ્વારા ઉજવવામાં આવે છે.


