બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સ 2022 નો 9મો દિવસ પણ ભારત માટે શાનદાર સાબિત થયો છે. ભારતને વધુ એક ગોલ્ડ મેડલ મળ્યો છે. ભાવિના પટેલે પેરા ટેબલ ટેનિસમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે. આ સાથે જ તેણે ફરી એક વાર ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ટ્વીટ કરી ભાવિનાને અભિનંદન પાઠવ્યા છે. કોમનવેલ્થ ગેમ્સ 2022 ના 9મા દિવસે ભારતીય કુસ્તીબાજોએ સૌથી પહેલા કુસ્તીમાં પોતાની તાકાત બતાવી. ત્યારે ભાવિના પટેલે ટેબલ ટેનિસમાં ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે. તેણે ફાઈનલમાં નાઈજિરિયન ખેલાડીને હરાવી ગોલ્ડ મેડલ જીત્યો છે. ઉલ્લેખનિય છે કે, ભાવિના મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના સુંઢિયા ગામની વતની છે. ભાવિનાએ ગત વર્ષે ટોક્યો પેરાલિમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યો હતો.