દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શુક્રવારે ધુળેટી પર્વે ભાણવડ નજીક આવેલી નદીમાં રંગે રમીને ન્હાવા પડેલા પાંચ કિશોરના ડૂબી જવાથી કરૂણ મૃત્યુ નિપજ્યા હતા. આ બનાવે સમગ્ર પંથકમાં ભારે અરેરાટી પ્રસરાવી છે. મોડી સાંજે ભાણવડમાં એક સાથે પાંચ લવરમૂછિયા કિશોરની અર્થી ઉઠતાં ભાણવડ હિબકે ચડયું હતું. બપોરે સર્જાયેલી આ કરૂણાંતિકા બાદ સાંજે મૃતકોની અંતિમયાત્રા નિકળી હતી. જેમાં મોટી સંખ્યામાં પરિજનો અને ગ્રામજનો જોડાયા હતા. સ્મશાનગૃહમાં ચિતાને અગ્નિદાહ આપવામાં આવ્યો ત્યારે મૃતકો કિશોરોના પરિજનોએ ભારે આક્રંદ કયુર્ર્ હતું. ભાણવડમાં આ ઘટનાને પગલે આનંદ ઉલ્લાસનું રંગપર્વ માતમમાં ફેરવાયું હતું.
આ કરૂણ બનાવવાની જાણવા મળતી વિગત મુજબ, ભાણવડમાં ધુળેટીના રંગભીના પર્વને માણી અને રંગે રમ્યા બાદ કેટલાક કિશોરોએ નજીક આવેલી નદીમાં ન્હાવાનું નક્કી કર્યું હતું. ગઈકાલે શુક્રવારે બપોરે આશરે સાડા બારેક વાગ્યે ભાણવડમાં તાલુકા પંચાયત કચેરી સામે આવેલા શિવ નગર વિસ્તારમાં રહેતા લુહાર જીત ભરતભાઈ કવા (ઉ.વ. 16) ખરાવાડ વિસ્તારમાં રહેતા સતવારા હિમાંશુ ભરતભાઈ રાઠોડ (ઉ.વ. 17), રામેશ્ર્વરપ્લોટ ખાતે રહેતા ભુપેન મુકેશભાઈ બગડા (ઉ.વ. 17), શિવ નગર ખાતે રહેતા પ્રજાપતિ ધવલ ભાણજીભાઈ ચંડેગરા (ઉ.વ. 17) અને આ જ વિસ્તારમાં રહેતો 17 વર્ષીય બાવાજી હિતાર્થ અશ્ર્વિનગીરી ગોસ્વામી નામના પાંચ કિશોર ન્હાવા માટે નીકળ્યા હતા.
ભાણવડથી આશરે ત્રણ કિલોમીટર દૂર આવેલી ત્રિવેણી સંગમ નદીના કેડસમા પાણીમાં તેઓ નાહવા માટે ઉતર્યા હતા. પરંતુ આ નદીની વચ્ચે રહેલો એક પાણી ભરેલો જોખમી અને ઊંડો ખાડો આ તમામ પાંચ કિશોરો માટે જીવલેણ બની રહ્યો હતો. નદીમાં ન્હાવા ઉતરેલા આ પાંચેયના ધ્યાને આ ખાડો ન હોવાથી નદીમાંથી આ ખાડામાં ખાબકતા તમામ પાંચ કિશોરો થોડીવારમાં પાણીમાં ડૂબી ગયા હતા.
આ બનાવની જાણ થતા સ્થાનિક રહીશો ઘટના સ્થળે દોડી ગયા હતા અને આ બાબતે ફાયર ટીમને જાણ કરવામાં આવી હતી. જેથી ફાયરના જવાનો પણ દોડી ગયા હતા. નદીના પાણીમાં કિશોરો ડૂબ્યા હોવાનું ધ્યાને આવતા ભાણવડ નજીક આવેલા આવેલા રૂપામોરા ગામે રહેતા સ્થાનિક તરવૈયાઓએ દોડી જઈ અને તેઓના નિષ્પ્રાણ દેહને પાણીની બહાર કાઢ્યા હતા.
આ બનાવ બનતા સ્થાનિક પોલીસ સ્ટાફ પણ ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી કરી હતી. સપરમા દિવસે પાંચ મિત્રોએ જીવ ગુમાવતા ભાણવડ પંથક સાથે સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે શોક સાથે અરેરાટી પ્રસરી જવા પામી છે. આ બનાવની વિધિવત રીતે જાણ મૃતક કિશોર ભૂપતના પિતા મુકેશભાઈ ભીખાભાઈ બગડાએ ભાણવડ પોલીસમાં કરાવી છે. જે સંદર્ભે આગળની તપાસ ખંભાળિયાના સી.પી.આઈ. કે.બી. યાજ્ઞિક દ્વારા હાથ ધરવામાં આવી છે.