પંજાબના 17માં મુખ્યમંત્રી તરીકે આમ આદમી પાર્ટીના ભગવંત માને આજે શપથ ગ્રહણ કર્યા હતા. શહિદ-એ-આઝમ ભગતસિંહના ગામ ખટકડકલામાં યોજાયેલા શપથ ગ્રહણ સમારોહમાં દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલની ઉપસ્થિતિમાં ભગવતમાને મુખ્યમંત્રી તરીકેના શપથ ગ્રહણ કર્યા હતા.
2011માં સફળ કોમેડિયન રહેલાં ભગવંત માને પોતાના રાજકીય જીવનની શરૂઆત પણ અહીંથી જ કરી હતી. પીળી પાઘડી અને પીળા દુપટ્ટામાં સજજ હજારો લોકો આ શપથગ્રહણ સમારોહમાં ઉપસ્થિત રહયા હતા. રાજયપાલ બી.એલ. પુરોહિતે ભગવત માનને પદ અને ગોપનિયતાના શપથ લેવડાવ્યા હતા. આ શપથ ગ્રહણ સમારોહમાં કેજરીવાલ સહિત તેમનું આખી મંત્રીમંડળ ઉપસ્થિત રહ્યું હતું.
અત્રે ઉલ્લેખનિય છે કે, તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં પંજાબની 117 પૈકી 92 બેઠકો જીતીને આમ આદમી પાર્ટીએ અહીં સતામાં રહેલી કોંગ્રેસ ઉપરાંત અન્ય વિપક્ષી દળોનો સફાયો કર્યો હતો. આ અગાઉ ગઇકાલે ભગવંત માને લોકસભાના સભ્ય પદેથી પોતાનું રાજીનામું સ્પીકરને સોંપ્યું હતું.