ચૂંટણી ટાણે ગુજરાત સરકારે જનરલ ડેવલપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેશનમાં સુધારા કરી ગુજરાતના બિલ્ડરો અને ડેવલપર્સને જલસા કરાવી દીધા છે. સૌથી વધુ ફાયદો સુરતના બિલ્ડરોને થશે, કે જ્યાં એફએસઆઈમાં 4.4 સુધીનો વધારો આપવામાં આવ્યો છે. સાથોસાથ હાઈરાઈઝ બિલ્ડિંગમાં હોલોપ્લીન્થની હાઈટમાંથી બિલ્ડિંગની હાઈટ ગણાશે નહીં. અર્થાત બિલ્ડિંગની પાર્કિંગ જેટલી હાઈટ વધી જશે.
ગુજરાત સરકારે ચૂંટણી પહેલાં બિલ્ડરોની માંગણીને વશ થઈને જીડીસીઆરના નિયમોમાં ફેરફાર કરતું નોટીફિકેશન બહાર પાડયું છે. તદ્અનુસાર ચાર્જેબલ એફએસઆઈમાં સુધારા કરવામાં આવ્યા છે. નવા નિયમ અનુસાર બિલ્ડરોને મદદરૂપ થવા સરકારે જંત્રીના 40 ટકા દરની ચૂકવણીથી ખુલ્લી જમીનમાં એફએસઆઈ મેળવવાની છૂટ આપી દીધી છે. સાથોસાથ સુરત શહેરમાં હાઈસ્પીડ કોરિડોરમાં સૌને આશ્ર્ચર્ય પમાડે એ હદે 4.4ની એફએસઆઈ આપવાનું ઠરાવવામાં આવ્યું છે. તો કામરેજ અને પલસાણામાં 4ની એફએસઆઈ અપાશે. નવા નિયમો અનુસાર ટ્રાઝસપોર્ટ અને કોમ્યુનિકેશન ઝોનમાં મળવાપાત્ર 1ની એફએસઆઈ વધારીને 1.5ની કરવામાં આવી છે. ટૂંકમાં ગુજરાતના બિલ્ડરોને સરકારે ચૂંટણી ટાણે એફએસઆઈમાં વધારો કરી આપીને તગડો મલાઈદાર ફાયદો કરાવી આપ્યો છે.
આ નોટીફિકેશન અનુસાર બિલ્ડિંગના બેઝમેન્ટમાં માર્જીનનો વધારો રોડલાઈન સુધી વધારી આપવામાં આવ્યો છે. તથા અગાઉ બેઝમેન્ટમાં સ્ટોરેજ અને સ્ટોર ફેસિલિટી માટે જગ્યા મળતી હતી. હવે ઇલેક્ટ્રિક રૃમને પણ મંજૂરી આપવામાં આવશે. પરિણામે પાર્કિંગની મોકળાશ વધશે અને સાથોસાથ બિલ્ડરની આવકમાં પણ ખાસ્સો વધારો થશે.
રિડેવલપમેન્ટમાં 9 મીટર કરતાં નાના રોડ પર હવે ફ્લેટને મંજૂરી અપાશે નહીં.તદ્ઉપરાંત રિડેવલપમેન્ટમાં જેટલા યૂનિટ હોય તેટલા જ યૂનિટને મંજૂરી અપાશે એવો નિયમ કરવામાં આવ્યો છે, જેના કારણે અમદાવાદ શહેરમાં નાના એપાર્ટમેન્ટના રિડેવલપમેન્ટ પ્રોજેક્ટને ખાસ્સો ફટકો પડશે. જેના કારણે મોટા બિલ્ડરોની પડતર ઇન્વેન્ટરી વેચાઈ જશે.
અત્યાર સુધી પ્રવર્તમાન નિયમમાં રિડેવલપમેન્ટમાં શાળા કે હોસ્પિટલને મંજૂરી અપાતી નહોતી. પરંતુ હવે 25 વર્ષ જૂની શાળા અને હોસ્પિટલમાં હયાત પ્લોટ જેટલી જ બાંધકામની રિડેવલપમેન્ટ મંજૂરી અપાશે. પરંતુ લટકામાં કોમર્શિયલ આનુષંગિક દુકાનો બનાવવાની છૂટ અપાશે. દા.ત. હોસ્પિટલના કિસ્સામાં પેથોલોજી, લેબ, દવાની દુકાનો તથા મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ વેચવા માટે બહારની જગ્યાનો કોમર્શિયલ ધોરણે ઉપયોગ થઈ શકશે. એ જ રીતે સ્કૂલની બહાર પણ સ્ટેશનરી કે ગણવેશની દુકાનો ખુલી શકશે. અત્યાર સુધી બિલ્ડિંગમાં પાર્કિંગ લિફ્ટ અને સીડીના બાંધકામને બાદ આપવામાં આવે છે. પરંતુ હવેથી ફાયર એન્ડ કોમ્યુનિકેશન રૂમ 30 ચો.મી.થી વધુ હોય તો એને પણ મંજૂરી અપાશે. અગાઉ રિડેવલપમેન્ટમાં રોડ પર શાળા કે હોસ્પિટલના બાંધકામની મંજૂરી અપાતી ન હતી. હવે આ નવા નિયમને કારણે શાળાના સંચાલકો અને હોસ્પિટલના માલિકોને પણ ખાસ્સી રાહત મળશે.
શહેરી વિકાસના આ નવા નિયમોને પગલે અગાઉ ઇ1 અને ઇ2 ઝોનમાં 30 માળથી વધુની બિલ્ડિંગની મંજૂરી મળતી હતી, જે હવે ગામતળમાં પણ મળશે. સાથોસાથ પાર્કિંગ માટે બેઝમેન્ટ રસ્તાથી 6 મીટરમાં, પરંતુ બિલ્ડિંગથી 12 મીટર દૂર હશે તો પણ મંજૂરી અપાશે.
ગુજરાત સરકારે જીડીસીઆરના સુધારેલા નવા નિયમોના અમલીકરણ માટે એક કમિટીની રચના કરવાનું નક્કી કર્યું છે. આ કમિટી 25 વર્ષથી જૂની ઇમારતોના રિડેવલપમેન્ટ અંગે નિર્ણય લઈ શકશે. મહાનગરપાલિકામાં મ્યુનિ. કમિશનરના વડપણ હેઠળ રચાનારી આ કમિટીમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર, સીટી એન્જીનિયર અને ચીફ ફાયર ઓફિસરનો સમાવેશ કરાશે. જ્યારે ઔડા, સૂડા, વુડા, રૃડા અને ગુડામાં સંબંધિત અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીના ચેરમેનના વડપણ હેઠળ કમિટી રચાશે.