સામાન્ય માણસ પર મોંઘવારીનો મોટો ઝટકો લાગવા જઈ રહ્યો છે. આગામી મહિનાથી પાપડ, ગોળ સહીત 143 ચીજ વસ્તુઓ માટે વધારે પૈસા ખર્ચ કરવા પડશે. GST કાઉન્સિલે આવક વધારવા માટે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ શાસન હેઠળ સૂચિત દર રેશનલાઈઝેશનના ભાગરૂપે 143 વસ્તુઓ પરના દરમાં વધારો કરવા માટે રાજ્યો પાસેથી સૂચનો માંગ્યા છે. મળતી માહિતી પ્રમાણે આ 143 વસ્તુઓમાંથી 92 ટકાને 18 ટકા ટેક્સ સ્લેબમાંથી ટોપ 28 ટકાના સ્લેબમાં ટ્રાન્સફર કરવાનો પ્રસ્તાવ છે. તમને જણાવી દઈએ કે, આગામી મહીને GST કાઉન્સિલની બેઠક યોજાવાની છે.
એક અહેવાલ પ્રમાણે મે મહિનામાં યોજાનારી જીએસટી કાઉન્સિલની બેઠકમાં જે ચીજવસ્તુઓ પર ટેક્સ રેટ વધારવા માટે સૂચન માગવામાં આવ્યા છે તેમાં પાપડ, ગોળ, પાવર બેંક, ઘડી, સૂટકેસ, હેન્ડબેગ, પરફ્યૂમ/ડિયોડ્રેંટ, કલર ટીવી, ચોકલેટ, અખરોટ, કસ્ટર્ડ પાઉડર, નોન-આલ્કોહોલિક ડ્રિંક્સ, વોશ બેસિન, ચશ્મા, ચશ્માની ફ્રેમ, કપડા અને ચામડામાંથી બનેલી વસ્તુઓનો સમાવેશ થાય છે.
GST કાઉન્સિલ દ્વારા 2019ની લોકસભા ચૂંટણી પહેલા નવેમ્બર 2017 અને ડિસેમ્બર 2018માં જે વસ્તુઓ પરના દરમાં ઘટાડો કરવામાં આવ્યો હતો તે જ વસ્તુઓ પર ટેક્સ વધારવાનો પ્રસ્તાવ આપવામાં આવ્યો છે. ગુવાહાટીમાં નવેમ્બર 2017ની બેઠકમાં પરફ્યુમ, ચામડાના કપડાં અને એસેસરીઝ, ચોકલેટ, કોકો પાવડર, સુંદરતા અથવા મેકઅપ, ફટાકડા, પ્લાસ્ટિક ફ્લોર કવરિંગ્સ, લેમ્પ્સ, સાઉન્ડ રેકોર્ડિંગ સાધનો અને આર્મર્ડ ટાંકી જેવી વસ્તુઓના દરો ઘટાડવામાં આવ્યા હતા. હવે ફરીથી વધારો કરવાનો પ્રસ્તાવ આપવામાં આવ્યો છે. આ જ પ્રકારે ડિસેમ્બર 2018ની બેઠકમાં કલર ટીવી સેટ અને મોનિટર (32 ઈંચથી ઓછા), ડિજિટલ અને વિડિયો કેમેરા રેકોર્ડર, પાવર બેંક જેવી વસ્તુઓ માટેના GST દરમાં ઘટાડો કરવામાં આવ્યો હતો અને હવે ફરીથી વધારો કરવામાં આવી શકે છે. પાપડ અને ગોળ જેવી ચીજવસ્તુઓ પર જીએસટીનો દર ઘટાડીને 0 થી 5 ટકા ટેક્સ સ્લેબ કરવામાં આવી શકે છે. ચામડાનાં કપડાં અને એસેસરીઝ, હેન્ડ વેર, રેઝર, પરફ્યુમ, પ્રી-શેવ/આફ્ટર-શેવ, ડેન્ટલ ફ્લોસ, ચોકલેટ, વેફલ્સ, કોકો પાઉડર, કોફી અર્ક અને કોન્સન્ટ્રેટ્સ, નોન-આલ્કોહોલિક વેબરેજેજ, હેન્ડબેગ/શોપિંગ બેગ ઘરની સાથે સિરામિક સિંક, વોશ બેસિન, પ્લાયવુડ, દરવાજા, બારીઓ, ઇલેક્ટ્રિકલ ઉપકરણો (સ્વીચો, સોકેટ્સ વગેરે)ની નિર્માણ વસ્તુઓ પર જીએસટીનો દર 18 ટકાથી વધીને 28 ટકા થઈ શકે છે. અખરોટ માટે GST દર 5 ટકાથી વધારીને 12 ટકા, કસ્ટર્ડ પાવડર માટે 5 ટકાથી વધારીને 18 ટકા અને લાકડાના ટેબલ અને વાસણો માટે 12 ટકાથી વધારીને 18 ટકા કરવામાં આવી શકે છે.