જામનગર શહેરમાં એક સ્થળેથી તથા મોટી ખાવડીમાંથી એસઓજી પોલીસે ગોગો સ્મોકીંગ કોન ઝડપી લીધા હતાં. તેમજ શહેરમાં એક દુકાનમાંથી ગોગો પેપરની સાત પટ્ટી ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
સમગ્ર ગુજરાતમાં સગીર/યુવાનો દ્વારા અલગ અલગ પ્રકારના નશાઓ જેવા કે ચરસ, ગાંજાનું સેવન કરવા માટે રોલીંગ પેપર ગોગો સ્મોકીંગ કોન, પરફેકટ રોલ જેવી વસ્તુઓનો ઉપયોગ થતો હોવાની વિગતો પ્રકાશમાં આવતા આ અંગે જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે અને આ અંગે પ્રતિબંધ જાહેર કરાયો છે. જામનગર જિલ્લામાં પણ આ અંગે જાહેરનામુ બહાર પાડી આવા પ્રકારની વસ્તુઓના ઉપયોગ અને વેચાણ ઉપર પ્રતિબંધ મુકાયો છે. જેને લઇ જામનગર જિલ્લા પોલીસ વડા ડો. રવિમોહન સૈની તથા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક પ્રતિભા દ્વારા આવા નશીલા પર્દાથો તથા નશો કરવામાં ઉપયોગમાં લેવામાં આવતી ચીજ વસ્તુઓ જેવી કે રોલીંગ પેપર, ગોગો સ્મોકીંગ કોન, પરફેકટ રોલ જેવી વસ્તુઓનું વેચાણ કરતા દુકાનદાર, પાનના ગલ્લાઓમાં ચેકીંગ હાથ ધરવા સુચના આપી હતી.
જેને લઇ એસઓજી પીઆઇ બી.એન. ચૌધરી, ઇન્ચાર્જ પીઆઇ વી.એમ. લગારીયા, પીએસઆઇ એ.વી. ખેર દ્વારા વિવિધ ટીમો બનાવી જિલ્લાભરમાં ચેકીંગ હાથ ધર્યુ હતું. જેમાં એસઓજીના લાલુભા જાડેજા, હર્ષદભાઇ ડોરીયા, અનીરૂઘ્ધસિંહ ઝાલાને મળેલ બાતમીના આધારે જામનગરમાં ગુલાબનગર પહેલા ઢાળીયા પાસે આવેલ આરઝુ પાન એન્ડ કોલ્ડ્રીંકસમાંથી અહદશાહ શબીરશાહ શાહમદાર નામના શખ્સના પાનના ગલ્લેથી રૂા.350ની કિંમતના ગોગો સ્મોકીંગ કોન તથા રૂા.70ની કિંમતની ગોગો પેપરની પટ્ટી સહિત કુલ રૂા.420નો મુદામાલ કબ્જે કરી શખ્સ વિરૂઘ્ધ સીટી બીમાં ગુન્હો નોંધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો દરોડો એસઓજીના વિરેન્દ્રસિંહ જાડેજા, બલભદ્રસિંહ જાડેજા તથા મયુરરાજસિંહ જાડેજાને મળેલ બાતમીના આધારે મોટીખાવડી ગામમાં આવેલ રામબાબુ ગુપ્તાની પાનની દુકાનમાંથી રૂા.435ની કિંમતના 29 નંગ ગોગો સ્મોકીંગ કોન ઝડપી લઇ આરોપી રામબાબુશાહ દિનાનાથશાહ વિરૂઘ્ધ મેઘપર પડાણા પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો નોંધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ત્રીજો દરોડો જામનગર શહેરમાં 49 દિગ્વીજય પ્લોટ રોડ ઉપર આશાપુરા માતાજીના મંદિર પાસે અશોક પાનની દુકાનમાં ચેકીંગ દરમિયાન અશોક પરસોતમ નંદા નામના શખ્સને રૂા.200ની કિંમતના ગોગો કંપનીની પટ્ટીના ર નંગ બોકસ તથા રૂા.160ની કિંમતની 20 નંગ ગો ટુ વીન કંપનીની પટ્ટી, રૂા.30ની કિંમતની બ્રધર કંપનીની પટ્ટી સહિત કુલ રૂા.390નો મુદામાલ કબ્જે કર્યો હતો.


