જામનગર જિલ્લામાં લીડ બેંક તરીકે ફરજ બજાવતી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાનાં એકમે સમગ્ર જિલ્લાનો વર્ષ-2022-23 નો રૂ.5752.26 કરોડનો અગ્રીમ ક્ષેત્રનાં ધિરાણનો પ્લાન બનાવી જિલ્લા કલેકટર ડો.સૌરભ પારઘી સમક્ષ અમલીકરણ માટે રજૂ કર્યો હતો. ક્રેડીટ પ્લાનનાં અમલીકરણ અર્થે વિમોચન કરવા માટેની લીડ બેંક દ્વારા યોજવામાં આવેલ બેઠકમાં જિલ્લા કલેકટર ડો.સૌરભ પારઘીએ લીડ બેંક જામનગરના સ્ટાફને અભિનંદન પાઠવતા જણાવ્યું હતુ કે તમામ બેંકો દ્વારા અગ્રીમતા પ્રાપ્ત ક્ષેત્રોને 100% ધિરાણ કરી લક્ષ્યાંકો પૂર્ણ કરવામાં આવશે તેમાં બેમત નથી.વર્ષ 2021-22 માં રૂ. 4592.72 કરોડના ધિરાણ સામે તા.31/12/2021 સુધીમાં રૂ. 5041.15 કરોડનું ધિરાણ કરીને સમગ્ર વર્ષનો લક્ષ્યાંક ડીસેમ્બર-2021 માં જ પૂર્ણ કરેલ છે અને 109% સિધ્ધી હાંસલ કરેલ છે તે બાબત પણ સરાહનીય છે.
બેઠકનાં પ્રારંભે સ્વાગત પ્રવચન કરતાં લીડ બેંક ઓફિસ જામનગરના ચીફ મેનેજર દીક્ષીત ભટ્ટે જણાવેલ કે જામનગર જિલ્લામાં ભારતીય સ્ટેટ બેંક લીડ બેંક તરીકે પોતાની ફરજો સુચારૂ રીતે બજાવી રહી છે.વર્ષ-2022-23 માટેનાં ક્રેડિટ પ્લાનની વિગતો આપતા તેઓએ જણાવેલ કે આવતા વર્ષમાં અગ્રીમતા પ્રાપ્ત ક્ષેત્રોને રૂ.5752.26 કરોડનું ધિરાણ બેંકો દ્વારા કરવામાં આવશે. ગત સાલના મૂળ પ્લાન કરતાં ચાલુ સાલનાં લક્ષ્યાંકો રૂ.1161.50 કરોડ વધું રાખવામાં આવેલ છે. કૃષી ક્ષેત્રમાં રૂ. 3455.97 કરોડ(60%) મધ્યમ અને નાના ઉદ્યોગ ક્ષેત્રમાં રૂ.1847.17 (32%) શિક્ષણ ક્ષેત્રમાં રૂ.10.13(0.17%) આવાસ ક્ષેત્રમાં રૂ.300.26 કરોડ(5.21%) તથા અન્ય અગ્રીમ ક્ષેત્રમાં રૂ.123.72 કરોડ (2.15%) ના ધિરાણના લક્ષ્યાંકો રાખવામાં આવ્યા છે.
આ બેઠકમાં જિલ્લા કલેકટર ડો.સૌરભ પારઘી, જિલ્લા વિકાસ અધિકારી મિહીર પટેલ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનાં અગ્રીમ બેંક ઓફીસર સંસ્કાર વિજય, એસ.બી.આઇ. નાં આર.બી.ઑ.-3 નાં રિજયોનલ મેનેજર બળદેવ પટેલ, એસ.કે.રાઠોડ એ.જી.એમ. બી.ઓ.બી, એ.સી. મહેતા એ.જી.એમ. સૌરાષ્ટ્ર ગ્રામિણ બેંક, નરેશ ઠાકુર એ.જી.એમ. સી.બી.આઇ, હાજર રહ્યા હતાં. આ કાર્યક્રમ માં વર્ષ 2021-22 દરમિયાન શ્રેષ્ઠ કામગીરી કરનાર બેંકોનું જિલ્લા કલેકટર જામનગર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. બેઠકનાં અંતે આર.સેટીના ડાયરેક્ટર જોષીએ આભારદર્શન કરતાં જણાવેલ કે જામનગર જિલ્લાની બેંકો તથા સરકારી એજન્સીઓનાં સહિયારા પ્રયાસોથી આ તમામ લક્ષ્યાંકો જરૂર સિદ્ધ થઈ જશે.