જમ્મુ-કાશ્મીરમાં ટાર્ગેટ કિલીંગની વધુ એક ઘટના સામે આવી છે. પંડિતોની હત્યા બાદ આતંકી દ્વારા આજે કુલ ગામમાં મુળ રાજસ્થાનના એક બેંક મેનેજરની ગોળી મારી હત્યા કરવામાં આવી છે. આ બેંક મેનેજરનું નામ વિજયકુમાર હોવાનું બહાર આવ્યું છે. આ પહેલાં આતંકીઓએ કુલગામમાં જ હિન્દુ મહિલા શિક્ષિકાની હત્યા કરી હતી. આ ઘટનાને પગલે સુરક્ષા દળો દ્વારા સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરી સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. કાશ્મીર ઘાટીમાં છેલ્લા કેટલાક સમયથી લગાતાર હિન્દુ નાગરિકો અને સરકારી કર્મચારીઓને આતંકીઓ દ્વારા નિશાન બનાવવામાં આવી રહયા છે. દરમ્યાન કાશ્મીરમાં વણસતી સ્થિતિને ગંભીરતાથી લઇ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે આવતીકાલે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજશે. જેમાં જમ્મુ-કાશ્મીરના લેફ. ગર્વનર મનોજ સિંહા એનએસએ અજિત ડોભાલ અને કેન્દ્ર સરકારના ઉચ્ચ અધિકારીઓ સામેલ થશે. હજુ થોડા સમય પહેલાં જ યોજાયેલી એક ઉચ્ચસ્તરીય બેઠકમાં ઘુસણોખોરી અટકાવવા માટે સુરક્ષાદળોને સખ્ત કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી હતી.
તેમ છતાં આતંકી પ્રવૃત્તિઓમાં વધારો થતાં 15 દિવસમાં બીજી બેઠક યોજવાની ફરજ પડી છે. ખાસ કરીને આગામી સમયમાં અમરનાથ યાત્રા શરૂ થવા જઇ રહી છે. ત્યારે યાત્રિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી આ બેઠક ખૂબજ મહત્વની બની રહે છે.