ઓપનિંગ બેટર લીટન દાસની ફિફટી બાદ મુસ્તાફિઝુર રહમાનની આગેવાનીમાં બોલરોના ધારદાર પ્રદર્શનથી બાંગ્લાદેશે ત્રીજી અને અંતિમ ટી-20 મેચમાં વર્લ્ડ ચેમ્પિયન ઈંગ્લેન્ડને 16 રને હરાવ્યું છે. આ જીત સાથે જ બાંગ્લાદેશે ઈંગ્લેન્ડના 3-0થી સૂપડા સાફ કરી નાખ્યા છે. વિકેટકિપર-બેટર લીટન દાસે 57 બોલમાં 10 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 73 રન ઝૂડ્યા હતા જે બાંગ્લાદેશની જીત માટે પાયારૂપ સાબિત થયા છે.
લીટને રોની તાલુકદાર (24 રન) સાથે પહેલી વિકેટ માટે 55 અને નઝમુલ હસન શંટો (અણનમ 47 રન) સાથે બીજી વિકેટ માટે 84 રનની ભાગીદારી કરી જેના કારણે બાંગ્લાદેશે પહેલાં બેટિંગ કરતાં બે વિકેટે 158 રનનો પડકારજનક સ્કોર બનાવ્યો હતો. ઈંગ્લેન્ડના ઓપનિંગ બેટર ડેવિડ મલાન (53 રન) અને કેપ્ટન જોશ બટલર (40 રન) વચ્ચે બીજી વિકેટ માટે 95 રનની ભાગીદારી દરમિયાન ઈંગ્લેન્ડ જીતી જશે તેવું લાગતું હતું પરંતુ બન્નેના 14મી ઓવરમાં આઉટ થયા બાદ ઈંગ્લેન્ડ ખખડી ગયું અને 20 ઓવરમાં છ વિકેટે 142 રન જ બનાવી શક્યું હતું.
મુસ્તાફિઝુરે ચાર ઓવરમાં 14 રન આપીને મલાનની મહત્ત્વપૂર્ણ વિકેટ હાંસલ કરી જ્યારે બટલર આગલા બોલે રનઆઉટ થયો હતો. ત્યારબાદ બાંગ્લાદેશના બોલરોએ ગાળિયો કસ્યો હતો. તસ્કીન અહમદ બાંગ્લાદેશ વતી સૌથી સફળ બોલર રહ્યો હતો. તેણે 26 રન આપીને બે વિકેટ ખેડવી હતી. આ પહેલાં પ્રથમ મેચમાં બાંગ્લાદેશે છ તો બીજી મેચમાં ચાર વિકેટે ઈંગ્લેન્ડને હરાવ્યું હતું. જ્યારે વન-ડે શ્રેણી ઈંગ્લેન્ડે 2-1થી જીતી હતી.