Friday, December 26, 2025
Homeસમાચારરાષ્ટ્રીયકાલથી સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ

કાલથી સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ

પ્રતિબંધિત પ્લાસ્ટિક વસ્તુના ઉપયોગ, ઉત્પાદન અને વેચાણ કરનાર સામે થશે દંડ અને જેલ સજાની કાર્યવાહી

દેશમાં પહેલી જુલાઇથી સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધનો નિર્ણય લેવાયો છે. પર્યાવરણ, વન અને ક્લાઇમેટ ચેન્જ મંત્રાલયે 28 જૂને આ બાબતે નોટિફિકેશન જારી કર્યું છે. નોટિફિકેશનમાં જણાવ્યા અનુસાર ભારત 1 જુલાઇ, 2022થી દેશભરમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકની ચીજોના ઉત્પાદન, આયાત, સ્ટોક, વિતરણ, વેચાણ અને વપરાશ પર પ્રતિબંધ મૂકશે. આવા પ્લાસ્ટિકનો વપરાશ ઓછો છે અને તેના લીધે મોટા પાયે કચરો થવાની શક્યતા રહે છે. સિંગલ યુઝ પ્લાસ્ટિક એવી ચીજો છે જેને માત્ર એક વખત વાપરી ફેંકી દેવામાં આવે છે. વિશ્વભરના દેશો માને છે કે સિંગલ યુઝ પ્લાસ્ટિકને કારણે જમીન અને પાણી બંને પ્રદૂષિત થાય છે. દરિયાઇ સૃષ્ટિ અને જળચરો પર તેની પ્રતિકૂળ અસરના પુરાવા છે.

- Advertisement -

તમામ દેશો સિંગલ યુઝ પ્લાસ્ટિકને કારણે ઊભા થતા પ્રદૂષણના પડકારનો સામનો કરી રહ્યા છે. મંત્રાલયે જારી કરેલા નોટિફિકેશન અનુસાર સિંગલ યુઝ પ્લાસ્ટિકની ચીજો પર પ્રતિબંધના અમલ માટે રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરે કંટ્રોલ રૂમ ઊભા કરાશે. જેથી તેના ગેરકાયદેસર ઉત્પાદન, આયાત, સ્ટોકિંગ, વિતરણ, વેચાણ અને વપરાશને બંધ કરી શકાય. પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ એમેન્ડમેન્ટ રૂલ્સ, 2021માં 75 માઇક્રોન્સથી ઓછી જાડાઇ ધરાવતી પ્લાસ્ટિક કેરી બેગના ઉત્પાદન, આયાત, સ્ટોકિંગ, વિતરણ, વેચાણ અને વપરાશ પર પ્રતિબંધ મુકાઈ ચૂક્યો છે. જ્યારે 31 ડિસેમ્બર, 2022થી 120 માઇક્રોન્સથી ઓછી જાડાઇ ધરાવતી પ્લાસ્ટિક કેરી બેગ પર પ્રતિબંધ મુકાશે. કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભુપેન્દર યાદવે જણાવ્યું હતું કે, સરકારે ઉદ્યોગ જગત અને જનતાને સિંગલ યુઝ પ્લાસ્ટિકની ચીજો પર પ્રતિબંધ સામે તૈયારી કરવા પૂરતો સમય આપ્યો છે. સરકારને આશા છે કે, પહેલી જુલાઇથી અમલી બનનારા આ નિર્ણયમાં બધા સહયોગ આપશે. પર્યાવરણ મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું હતું કે, 19 સિંગલ યુઝ પ્લાસ્ટિકની ચીજો પર પ્રતિબંધ મૂકવાનું નોટિફિકેશન એન્વાયર્મેન્ટ પ્રોટેક્શન એક્ટ (ઇપીએ) હેઠળ જારી કરાયું છે. તેનું ઉલ્લંઘન કરનાર સામે કડક કાર્યવાહી થશે. જેમાં દંડ અથવા જેલ અથવા બંનેનો સમાવેશ થાય છે.

આ ચીજવસ્તઓનો ઉપયોગ હવે નહીં કરી શકાય

- Advertisement -

પ્લાસ્ટિક સ્ટિક સાથેના ઇયર બડ્સ, ફુગ્ગા માટેની પ્લાસ્ટિક સ્ટિક, પ્લાસ્ટિકના ધ્વજ, કેન્ડી સ્ટિક, આઇસક્રીમ સ્ટિક, ડેકોરેશન માટેના થર્મોકોલ, પ્લાસ્ટિક પ્લેટ્સ, પ્લાસ્ટિક કપ્સ, પ્લાસ્ટિક ગ્લાસ, પ્લાસ્ટિક કટલરી (કાંટા ચમચી, ચમચી, ચપ્પા, સ્ટ્રો, ટ્રે, મિઠાઇના બોક્સના પેકિંગમાં વપરાતી પેકિંગ ફિલ્મ્સ, આમંત્રણ પત્રિકા, સિગરેટના પેકેટ, 100 માઇક્રોન્સથી ઓછી જાડાઇના પ્લાસ્ટિક કે પીવીસી બેનર્સ

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular