ભવનાથ તળેટીમાં માનવી વિહોણા શિવરાત્રી મેળામાં રાત્રે દિગમ્બર સાધુ સંતોની વાજતે ગાજતે રેવડી નીકળી હતી. અંગ કસરતના દાવ વચ્ચે નિર્ધારિત રૂટ ઉપર ફરી મધરાતે મૃગીકુંડમાં શાહી સ્નાન અને પૂજન, અર્ચન સાથે મેળો સંપન્ન થયો હતો. મેળામાં પ્રજાજનો માટે પાબંદી હોવા છતાં સેંકડો લોકો ઘુસી ગયા હતાં.
કોરોના સંક્રમણને કારણે સરકારે પરંપરા જાળવવા માટે માત્ર સાધુ સંતો માટે મર્યાદિત શિવરાત્રી મેળાની મંજુરી આપી હતી તેથી આ મેળો નિરસ બન્યો હતો. સાધુ સંતો સેવકગણની ઉપસ્થિતિમાં પાંચ દિવસીય મેળામાં લોકોની ગેરહાજરી હોવાથી મેળો નિરસ અને સુમસામ જેવો બની રહ્યો હતો.
મેળા દરમિયાન આશ્રમોમાં સંતવાણીનાં કાર્યક્રમો આકર્ષણ વિહોણા રહ્યા હતા. ગણ્યા ગાંઠયા અન્ન ક્ષેત્રોમાં પણ પાંખી હાજરીને કારણે તળેટીમાં શિવરાત્રી મેળામાં લોકડાઉન જેવી જ સ્થિતિ ઉભી થઈ હતી. રમતાપંચ દ્વારા મેળામાં પ્રજાજનોને છુટ આપવા માંગણી થઈ હતી અને આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી, પણ તંત્રે મચક આપી ન હતી. અત્યંત નિરસ માહોલમાં મેળાની પરંપરા જાળવવામાં આવી હતી. ત્રણેય અખાડાઓનાં સંતો મહંતો સહિત એકંદરે મેળામાં પણ સાધુ સંતોની પાંખી હાજરી વર્તાઈ હતી. આજે શિવરાત્રી પર્વે ભાંગ પ્રસાદ વિતરણ કરવામાં આવ્યો હતો.
મેળાના આકર્ષણ રૂપ દિગમ્બર સાધુ સંતોની રેવડી નિહાળવા અંતિમ દિને દૂર દૂરથી ભાવિકો ઉમટયા હતાં અને રીક્ષા દ્વારા સોનાપુર સુધી પહોંચ્યા હતાં પણ ત્યાં પોલીસે અટકાવ્યા હતાં. તેમાં કેટલાક જંગલમાંથી તળેટીમાં પહોંચવા પ્રયાસ કરતાં પાજનાકા ખાતે રોકી દેવાયા હતાં. જ્યારે ગેરકાયદે તળેટીમાં પ્રવેશેલાઓને પણ પોલીસ બહાર કાઢતી જણાઈ હતી. છતાં એકયા બીજા કારણોસર સેંકડો લોકો તળેટીમાં પ્રવેશ્યા હતાં. તેથી તળેટીમાં અંતિમ દિવસે પ્રજાજનો નજરે પડયા હતાં.
દરમિયાન મોડી સાંજે ભવનાથ મંદિર પાછળ જુના અખાડા ખાતેથી વાજતે ગાજતે દિગમ્બર સહિતનાં સાધુ સંતોની રવેડી નીકળી હતી અને અંગ કસરતના દાવ સાથે માર્ગો ઉપર ફરી મધરાતે મૃંગી કુંડમાં શાહી સ્નાન, પૂજન, અર્ચન સાથે મેળો સંપન્ન થયો હતો.