- Advertisement -
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ ખાતે રહેતા ખેડૂત બંધુઓની ખેતીની જમીન તથા અન્ય મિલકત સામાન્ય રકમના બદલામાં પચાવી પાડવા સબબ આ વિસ્તારના બે શખ્સો સામે લેન્ડ ગ્રેબિંગ ઉપરાંત નાણા ધીરધાર અધિનિયમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો હતો. જેમાં ખંભાળિયાની અદાલતે ઉપરોક્ત બન્ને આરોપીઓના જામીન ફગાવી દીધા હતા.
આ સમગ્ર પ્રકરણની વિગત મુજબ ભાણવડ તાલુકાના જામ રોજીવાડા ખાતે રહેતા ખેડૂત પરિવારના એક યુવાને વર્ષ 2015માં રૂપિયા બે લાખની રકમ ભાણવડ રહીશ મનસુખ સવજી નકુમ પાસેથી દસ ટકાના વ્યાજે લીધી હતી. ત્યારબાદ વ્યાજના વિષચક્રમાં ફસાયેલા આ યુવાન જામ રોજીવાડા ગામના વશરામ કેશા પાથર નામના શખ્સના સંપર્કમાં આવતાં તેણે પણ મોટી રકમની વસુલાત કરી હતી. આમ, ભાણવડ તાલુકાના સોલંકી બંધુઓની કિંમતી જમીન પચાવી પાડવા સબબ ભાણવડ પોલીસ મથકમાં ઉપરોક્ત બંને શખ્સો સામે આઈ.પી.સી. કલમ 120(બી), 465, 467, 468, 471, 504 તથા ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ (લેન્ડ ગ્રેબિંગ) અને ગુજરાત નાણાં ધીરધારની કલમ મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો. જેની તપાસ અહીંના ડીવાયએસપી હિરેન્દ્ર ચૌધરી દ્વારા હાથ ધરવામાં આવી હતી.
બાદમાં ઉપયોગ બન્ને આરોપીઓની ગત તારીખ 3 માર્ચના રોજ વિધિવત રીતે ધરપકડ કરી, જેલ હવાલે કરવામાં આવ્યા હતા. જેથી આ બંને શખ્સોએ જમીન મુક્ત થવા માટેની અરજી ખંભાળિયાની સ્પેશિયલ સેશન્સ કોર્ટમાં કરતા નામદાર અદાલતે વિવિઘ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને તેઓની જામીન અરજી નામંજૂર કરી દીધી હતી.
પોલીસ તંત્રની તાકીદની અને નક્કર આ કાર્યવાહીથી ભોગ બનનારના પરિવારજનોમાં રાહતની લાગણી જોવા મળી હતી. આ સાથે આ લેન્ડ ગ્રેબિંગ તથા વ્યાજ વટાવ જેવી બાબતમાં અન્ય કોઈ આસામીઓ પણ ભોગ બન્યા છે કે કેમ? તે દિશામાં પણ પોલીસ દ્વારા ઉંડાણપૂર્વકની તપાસ હાથ ધરવામાં આવી છે.
- Advertisement -