ગુજરાતની જનતા મોંઘવારીના મારનો સામનો કરી રહી છે, તેવામાં પશુપાલકો માટે માઠા સમાચાર આવ્યા છે. અમુલે છાશ, દૂધના ભાવમાં વધારો કર્યા બાદ પશુદાણમાં વધારો કર્યો છે. અમૂલ દાણની 50 કિલો ગુણના ભાવમાં રૂ.35નો જ્યારે 70 કિલો ગુણના ભાવમાં રૂ.45નો ભાવવધારો કરાયો છે. નવો ભાવવધારો 11માર્ચથી લાગુ પડશે.
અમૂલ દ્વારા કેટલ ફીડ ફેક્ટરી કણજરી તથા કાપડી વાવમાંથી ઉત્પાદિત અમૂલ દાણના ભાવમાં વધારાની જાહેરાત કરવામાં આવી છે ઉપરાંત અમૂલ દાણ ફેક્ટરીમાંથી ઉત્પાદિત તથા પશુઆહારના ભાવમાં પણ વધારો કર્યો છે. અમુલદાણ 50કીલોનો ભાવ હાલ 990 રૂપિયા છે જેમાં વધારો થતા નવો ભાવ 1025 થશે. અમૂલ દાણ (70 કિલો)ના હાલના ભાવ 1425 છે જે વધીને 1470 થશે જો કે બીજી તરફ અમુલ દ્વારા દૂધઉત્પાદકોને ચુકવવામાં આવતા દૂધના ખરીદભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ.20નો વધારો પણ કરી દેવામાં આવ્યો છે.
અંતે ઉલ્લેખનીય છે કે છેલ્લા 14 દિવસથી રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે જેના પરિણામે આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રુડ ઓઈલના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે. ઉપરાંત ખાદ્યતેલના ભાવોમાં પણ વધારો થયો છે. જેના પરિણામે સામાન્ય જનતા મોંઘવારીના મારનો સામનો કરી રહી છે.