સતત વધી રહેલી મોંઘવારીના પરિણામે જનતા પરેશાન છે. તો હવે ખેડૂતો માથે વધુ બોજ પડ્યો છે. કારણકે ઇફકોએ ખાતરના ભાવમાં વધારો કર્યો છે. ઈફ્કોએ ડીએપી ખાતરના ભાવમાં 150 રૂપિયા અને એનપીકે ખાતરના ભાવમાં 285 રૂપિયાનો વધારો કર્યો છે. નવા ભાવ વધારા બાદ હવે ડીએપીની બોરી રૂ. 1350 ભાવમાં મળશે અને હવે NPK ખાતર રુ. 1470 રુપિયામાં મળશે.
ખાતરમાં થયેલા ભાવવધારા મુદ્દે કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું છે કે કેન્દ્ર સરકાર દ્વારા આ ભાવો નક્કી કરવામાં આવ્યા છે. પરંતુ રશિયા અને યુક્રેન વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે તે ભાવ વધારાનું કારણ હોઈ શકે. ભાજપ સરકાર સતત ખેડૂતોના હિત માટે પગલા લેતી હોય છે. આગામી સમયમાં પણ ખેડૂતોને કોઈ મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે તેવા પગલા લેવામાં આવશે.
ડીઝલના ભાવમાં વધારા બાદ હવે ખાતરના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે. તો બીજી તરફ સરકાર ખેડૂતોની આવક બમણી કરવાના મસ મોટા વાયદા કરે છે. મોંઘા બિયારણ અને મોંઘા ખાતરના કારણે ખેડૂતોને ખેતી કરવી પણ પરવડે તેમ નથી. અને ખેડૂતો માટે મુશ્કેલી ઉભી થઇ શકે તેમ છે.