અયોધ્યામાં ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરમાં થયેલા શિલાન્યાસ બાદના ભારતીય સંસ્કૃતિ તથા ઈતિહાસના ધરોહર જેવા હિન્દુ ધર્મ માટે પણ એક મહત્વના દિનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વૈદીક મંત્રોના ઉચ્ચાર અને પવિત્ર નદી ગંગા તથા ભગવાન શિવને એકાકાર કરતા કાશી વિશ્વનાથ ધામનું લોકાર્પણ કર્યુ છે. આ સાથે મોદી દેશના પ્રથમ એવા વડાપ્રધાન બની ગયા છે જે હિન્દુ ધર્મના બે મહાન શ્રદ્ધા ધામોનું ગરીમા વધારતા પ્રોજેકટના સાક્ષી બન્યા છે. કાશી કોરિડોર લોકાર્પણના આ કાર્યક્રમમાં દેશભરના સાધુ-સંતો સાથે જામનગરના સંતોને પણ આમંત્રણ મળતાં તેઓ જોડાયા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના મતક્ષેત્ર વારાણસીમાં રૂા.900 કરોડના ખર્ચે ફકત 21 માસમાંજ તૈયાર થયેલા હાઈટેક વિશ્ર્વનાથ ધામ કોરીડોરને ખુલ્લુ મુકતા જ પવિત્ર નગરી વારાણસીની ભવ્યતામાં પણ વધારો થશે અને ગંગા તટથી કાશી વિશ્વનાથ મંદિરે જવા માટે ખાસ એસ્કેલેટર લગાવ્યુ છે જે ભારતમાં આ પ્રકારે પ્રથમ છે. મોદી ઉપરાંત ઉતરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદીત્યનાથ અને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિત ભાજપ શાસનના 12 રાજયોના મુખ્યમંત્રી તથા 9 નાયબ મુખ્યમંત્રીઓ આ સમારોહમાં હાજરી આપી રહ્યા છે. મોદી દિલ્હીથી વારાણસી પહોંચ્યા બાદ તેઓ બે દિવસ અહી રોકાશે અને તેઓ કોટવાલ બાબા કાલ ભૈરવની ખાસ અનુમતી લઈને પતિત પાવન ગંગાના દર્શન અને સ્મરણ સાથે કાશી વિશ્ર્વનાથ ધામ પહોંચ્યા હતા અને આજે રવિયોગની પૂણ્ય સંયોગોમાં તેઓ દેશની તમામ નદીઓના પાણીથી કાશી મંદિરમાં જલાભિષેક કર્યો હતો.મોદી આ પૂજાવિધિના યજમાન છે તથા વિશ્ર્વેવરની પૂજા-અનુષ્ઠાન કર્યુ હતું. લગભગ 241 વર્ષો બાદ બાબાના ધામનું નવું સ્વરૂપ જાહેર થશે તથા સોમનાથ મંદિર માફક હુમલાનું કેન્દ્ર બનેલા આ મંદિરનો સોમનાથ માફક જ પુનરોદ્ધાર થયો છે. આ સાથે આજે દેશભરમાં ભાજપે 51,000 સ્થળો પર ભગવાન શિવ સહિતના મંદિરોમાં જીવંત પ્રસારણની વ્યવસ્થા સાથે ત્યાં પણ પૂજા અર્ચન કરશે. મોદીએ આ કાર્યક્રમ બાદ પંગતમાં બેસીને બાબાનો પ્રસાદ ગ્રહણ કર્યો હતો. તથા તે પૂર્વે સાધુસંતોને સંબોધન કર્યા હતા. મોદી સાંજે ગંગા આરતી પણ કરશે.