એલોપેથી પર ટિપ્પણી કેસમાં ઇન્ડિયન મેડિકલ એસોસીએશનના 1000 કરોડ રૂપિયાના માનહાનિ કેસ બાદ બાબા રામદેવ હવે રાજસ્થાન સરકારના નિશાના પર આવી ગયા છે. સરકારની તરફથી ગુરૂવાર મોડી રાત્રે બાબા રામદેવની પતંજલિ કંપનીના સરસિયાના તેલમાં ભેળસેળની આશંકાના લીધે અલવર સ્થિત ખેરથલ ફેકટરીને સીઝ કરી દેવાઇ છે. જિલ્લા કલેકટરના નેતૃત્વમાં આ કાર્યવાહીની વીડિયોગ્રાફી પણ કરાઇ છે.
આની પહેલાં બાબા રામદેવની કંપની પતંજલિના સરસિયા તેલ પર ખાદ્ય તેલ ઉદ્યોગ સંગઠન પણ આપત્તિ વ્યકત કરી ચૂકયું છે. સંગઠને કંપનીની એ જાહેરાત પર નારાજગી વ્યકત કરી હતી કે જેમાં દાવો કરાયો છે કે સરસિયાના તેલની અન્ય બ્રાન્ડના કાચી ધાણી તેલમાં ભેળસેળ છે. જો કે હવે રાજસ્થાનના અલવર જિલ્લાના ખૈરથલમાં બાબા રામદેવની પતંજલિ બ્રાન્ડના નામથી સરસિયાના તેલનું પેકિંગ અને ભેળસેળ થતાની માહિતી બાદ પ્રશાસને સિંઘાનિયા ઓઇલ મિલ પર દરોડા પાડીને મોડીરાત્રે ફેકટરીને સીઝ કરી દીધી હતી.
ફેકટરીમાં પતંજલિની પેકિંગ સામગ્રી મોટી માત્રામાં જપ્ત કરાઇ છે. પતંજલિના નામ પર ભેળસેળિયું સરસિયાનું તેલ સપ્લાય કરવાના આરોપમાં બુધવાર મોડી રાત્રે જિલ્લા પ્રશાસને દરોડા પાડ્યા હતા. ફેકટરીમાં બાબા રામદેવની પતંજલિના પેકિંગની મંજૂરીની વાત અહીંના મેનેજમેન્ટ તરફથી કરાઇ છે. આ સિવાય બીજી એક બ્રાન્ડ શ્રી શ્રી ઓઇલ બ્રાન્ડના રેપર પણ જપ્ત કરાયા છે. ફેકટરીમાંથી હાલ સેમ્પલ લેવાયા છે હવે તેનો રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી કરાશે.
બાબા રામદેવની તેલ ફેકટરી સીલ થઇ
શ્રી શ્રી ઓઇલ બ્રાન્ડના રેપર પણ જપ્ત કરવામાં આવ્યાં