રાજ્ય સરકારે આ વર્ષે પ્રધાનમંત્રી જન આરોગ્ય-મા યોજના હેઠળની વીમાની રકમ રૂપિયા પાંચ લાખથી વધારીને 10 લાખ કરવામાં આવી હોવાનો દાવો કર્યો છે પરંતુ એપ્રિલ મહિનામાં 12મી સુધી મળેલા આયુષ્યમાન કાર્ડમાં પાંચ લાખ સુધીની સારવાર મફત તેવો સ્પષ્ટ ઉલ્લેખ આવતો હોવાથી કાર્ડ ધારકોમાં ગૂંચવાડો ઉભો થયો છે. રાજ્ય સરકારે ડિસેમ્બરમાં વિધાનસભા ચૂંટણી પહેલાં જ વીમાની રકમ 10 લાખ કરાશે તેવી જાહેરાત કરી હતી.
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે દાવો કરતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે આ વર્ષે પ્રધાનમંત્રી જન આરોગ્ય-મા યોજના હેઠળની વીમાની રકમ રૂપિયા પાંચ લાખથી વધારીને 10 લાખ કરી છે. જેના પરિણામે અત્યંત ખર્ચાળ, ગંભીર કે જટીલ પ્રકારની, અંગના પ્રત્યારોપણ જેવી સર્જરીઓ પણ કુટુંબદીઠ આ કાર્ડ હેઠળ નિ:શુલ્ક ઉપલબ્ધ થશે. જો કે આ અમલ ક્યારથી કરાયો તેની સ્પષ્ટતા નહીં હોવાના કારણે દર્દીઓ સારવાર લેવા જાય છે તેમને પાંચ લાખ સુધીની સારવાર જ નિ:શુલ્ક મળે છે. તો નવા આયુષ્યમાન કાર્ડ જે નવા નાણાકીય વર્ષ એપ્રિલમાં નાગરિકોને મળ્યા છે તેમાં પણ પાંચ લાખનો જ ઉલ્લેખ છે.
મંત્રી પટેલે યોજના વિશે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી જન આરોગ્ય-મા યોજના અંતર્ગત નોંધાયેલા દાવા ચૂકવણી એટલે કે ક્લેઈમની રકમ બાબતે ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ ક્રમાંકે છે. આ યોજના હેઠળ અત્યાર સુધીમાં 36 લાખથી વધુ દાવા મંજૂર કરાયા છે. ગુજરાત સરકાર દ્વારા રૂ. 7374 કરોડની રકમના દાવા અત્યાર સુધીમાં નોંધાયા છે. 14મી એપ્રિલ 2023ના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની વર્તમાન રાજ્ય સરકારને 4 મહિના પૂર્ણ થશે. આ સમયગાળા દરમિયાન પ્રધાનમંત્રી જન આરોગ્ય-મા યોજના હેઠળ રાજ્યમાં રૂ. 778.47 કરોડના દાવા(ક્લેઇમ) ચૂકવણી કરાઈ છે. રાજ્યમાં 1.80 કરોડ આયુષ્માન કાર્ડ ધારકોની સંખ્યાની દૃષ્ટિએ ગુજરાત સમગ્ર દેશમાં ત્રીજા ક્રમાંકે છે. હાલ રાજ્યમાં 1. 80 કરોડ લાભાર્થીને કાર્ડ ઇસ્યૂ કરાયાં છે. 2765 હોસ્પિટલને પ્રધાનમંત્રી જન આરોગ્ય-મા યોજના હેઠળ આવરી લેવાઈ છે.