જામનગર સ્થિત સૌપ્રથમ આયુર્વેદ ક્ષેત્રનું રાષ્ટ્રીય મહત્વનો દરજજો ધરાવતું સંસ્થાન ઈન્સ્ટીટયુટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઈન આયુર્વેદ થકી લોક સ્વાસ્થ્ય ઉત્કર્ષ અને વૈશ્ર્વિક પ્રવાહોથી લોકોને અવગત કરાવવાના આશયથી આયુર્વેદ ‘સ્વાસ્થ્ય અને શ્રીધાન્ય મેળો 2023’ નું આયોજન તા.18 થી તા.21 માર્ચ સુધી ધન્વન્તરિ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું છે. જેનો સમય સવારે 10 વાગ્યા થી રાત્રિના 9 વાગ્યા સુધી રહેશે.
આ એકસ્પો વિશાળ અર્થમાં લોકોની વિવિધ જીવન શૈલીને આકાર આપવા અને આયુર્વેદ થકી સ્વાસ્થ્યને મજબુત કરવા અર્થે આયોજિત કરવામાં આવ્યો છે. મુલાકાતીઓને વિનામૂલ્યે સ્વાસ્થ્ય પરીક્ષણ, પ્રકૃતિ પરીક્ષણ અને તદનુસાર જીવનશૈલી અંગેનું માર્ગદર્શન, યોગનું પ્રત્યક્ષ નિદર્શન અને માર્ગદર્શન, આયુર્વેદ અનુસાર પોષણ અને મિલટસનું માર્ગદર્શન, ઓડિયો-વીડિયો નિદર્શન, સ્વાસ્થ્ય રક્ષણ અને સામાન્ય બીમારીઓના ઘરગથ્થુ ઉપચારો, ઔષધિના રોપાઓનું વિનામૂલ્યે નિદર્શન અને વિતરણ, ઘર આંગણાની ઔષધીઓનો પરિચય તથા તેનો ચિકિત્સાકીય ઉપયોગ, ઋતુ અનુસાર જીવનશૈલી અંગેનું માર્ગદર્શન, વિવિધ આયુર્વેદીય ચિકિત્સા પદ્ધતિ અંગેનું માર્ગદર્શન, વિવિધ ફાર્મસીઓની આયુર્વેદ દવાઓ, આયુર્વેદ ફૂડ ફેસ્ટીવલ અને ખાસ કરીને મિલેટસ – જાડા ધાન્ય અંગેનું વિશેષ આકર્ષણ તૈયાર કરવામાં આવ્યું છે. જે મુલાકાતીઓને પુષ્કળ ઉપયોગી સાબિત થશે. અત્રે ઉલ્લેખનીય છે કે, અહીં ખાણીપીણીના સ્ટોલ સિવાયની તમામ સુવિધા વિનામૂલ્યે રહેશે.
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મિલેટસના ઉપયોગ થકી સ્વાસ્થ્ય માટે સંયુકત રાષ્ટ્ર સંઘને પ્રસ્તાવ કરવામાં આવ્યો હતો. તે સંદર્ભે સંયુકત રાષ્ટ્ર સંઘે વર્ષ 2023 ને ઈન્ટરનેશનલ યર ઓફ મિલેટસ જાહેર કર્યુ છે અને સમગ્ર વિશ્ર્વમાં હાલ તેની ઉજવણી થઈ રહી છે. આયુષ મંત્રાલય, ભારત સરકાર દ્વારા સંચાલિત ઈન્સ્ટીટયુટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઈન આયુર્વેદ, જામનગર દ્વારા આ બાબતને અનુમોદ આપવા અર્થે હેલ્થ એન્ડ મિલેટસ એકસ્પો 2023 નું આયોજન કર્યુ છે. હેલ્થ એન્ડ મિલેટસ એકસ્પો 2023 એ આયુર્વેદ અને મિલેટ્સ થકી સ્વાસ્થ્ય સક્ષમ કરવાના નવીન દ્રષ્ટિકોણથી અત્યાર સુધીનું સૌપ્રથમ આયોજન થવા જઈ રહ્યું છે. આયુર્વેદ વર્તમાન સમયમાં સ્વાસ્થ્ય સંરક્ષણ અને રોગોના મૂળગામી ઉપચાર માટે મહત્વનો ફાળો આપે છે. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને સુરક્ષિત, પ્રભાવી, સરળ, સસ્તા, ઘરગથ્થુ ઉપચારો, આયુર્વેદની વિવિધ ચિકિત્સા પદ્ધતિઓ અંગેનું માર્ગદર્શન તથા ખેડૂતો માટે લાભદાયક નિવડે એ હેતુને ધ્યાનમાં રાખીને આ સમગ્ર મેળો આયોજિત કરવામાં આવ્યો છે.
સામાન્ય રીતે આ એકસ્પો સર્વે જનતા માટે વિશેષ કરીને ગૃહિણી, વિદ્યાર્થીઓ, યુવાનો, ખેડૂતો, ઔષધિઓની વાવણી કરવા તથા આયુર્વેદ ક્ષેત્રમાં પોતાની કારકિર્દી ઘડવા માટે ઈચ્છુકો, વૈદ્યો અને ફાર્માસિસ્ટ તેમજ આરોગ્ય પ્રત્યે સતત જાગૃત રહેનાર લોકો માટે લાભકારી સાબિત થશે. તેનું આઈટીઆરએના ડાયરેકટર પ્રો. વૈદ. અનુપ ઠાકરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
આ એકસ્પોમાં મિલે્ટસ આધારિત ખાણીપીણીની વૈવિધ્યસભર વાનગીઓને આકાર આપવામાં આવ્યો છે.
મિલે્ટસ – જાડાના ધાન્યના ઉપયોગથી સ્વાસ્થ્યને વધુ મજબુત કરી શકાય છે તેને કેન્દ્રવર્તી બનાવી આઈટીઆરએના ફાર્મસી કોલેજના વિદ્યાર્થી દ્વારા પ્રાથમિક તબકકે કુલ 500 જેટલી વાનગીઓની યાદી તૈયાર કરવામાં આવી હતી. જેમાંથી 200 જેટલી વાનગી છણાવટ કરી તેને લાઈવ તૈયાર કરવામાં આવી હતી. બાદમાં તેમાંથી 86 વાનગીને પસંદ કરી મુલાકાતીઓને ઉપલબ્ધ બને તે હેતુ માટે તૈયાર કરવામાં આવી છે. ઉપરાંત 80 જેટલી પેકેટ ફુડ આઈટમ પણ મિલે્સ આધારિત બનાવી લોકોના સ્વાદ અને સ્વાસ્થ્ય સંગમ માટે વાનગીઓ બનાવવામાં આવી છે.
આ તમામ વાનગીઓમાં આયુર્વેદ અને મિલે્ટસના ગુણોને જોડવામાં આવ્યા છે. આ વાનગીઓમાં મિલે્સ આધારિત સૂપ, સ્ટાર્ટર, મેઈનકોર્ષ, સ્નેકસ, સ્વીટ્સ, ડેઝર્ટ, હોટ-કોલ્ડ ડ્રિંકસ અને આઈસ્ક્રીમ જેવી કેટેગરીમાં ત્ કરવામાં આવી છે.
વિવિધ વાનગીઓમાં રાગી પાપડી ચાટ, મિલે્ટસ દહીંવડા, રાગી-જૂવાર-બાજરા ખીચું, મિલેટ્સ ચિલ્લા, મિલેટ્સ પેન કેક, જૂવારના પીઝા, મલ્ટી મિલેટ્સ થેપલા, મિલેટ્સના ચીઝ, મિલેટ્સની વિવિધ ખીચડી, સરગમના જાંબુ, મિલેટ્સ લાડુ, મિલેટ્સ ફાલુદા, મિલેટ્સ રબડી, મિલેટ્સના વિવિધ ડ્રીંકસ અને સ્મૂધીઝ, ઉષીરાદી પાનક, અમૃત પાનક, ફેનુંગ્રીક કોફી, કલિંગમ અદ્રક મોજીતો, સતુ સરબત, કોરીએન્ડર કોકટેલ, મેધ્ય મિલક શેક, કો-રા ડ્રિંક, ઠંડાઈ, રાગી – બનાના સ્મૂધીઝ, કોકમ પાનક, વૃક્ષામ્બ પાનક, લેમન – વરિયાળી શિંજજી, સ્કિન ગ્લો શોટ્સ, મસાલા પફ, મોમોસ, આયુ પિઝા, રાગી ઈડલી, મિલેટ્સ પુડલા, મિલેટ્સ થાળી, ભેળ, મિલેટ્સ ઉત્તપમ, મિલેટ્સ પાણીપૂરી, મિલેટ્સ ટિકકી, મોરીંગા સૂપ, કોદો ખીચડી, પ્રોટીન ચાટ, મિલેટ્સ આધરિત ગરમ અને ઠંડી અને ચા-કોફી, અને મિલેટ્સનો આઈસ્ક્રીમ પણ વિદ્યાર્થીઓ દ્વારા પૌરાણિક સંદર્ભો અને આધુનિક પાકશાસ્ત્રનું સંયોજન કરી બનાવવામાં આવ્યા છે.
વધુમાં પેકેટ ફુડ આઇટમમાં ખાખરા, બિસ્કીટ, કુકીઝ, બરફી, ફરસાણ સહિતની 80 સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યસભર વાનગીને આકાર આપવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સૌ પ્રથમ વખત આ પ્રકારનો હેલ્થ એન્ડ મિલેટ્સ એકસ્પો થવા જઈ રહ્યો છે. ત્યારે વાનગી પ્રત્યે દિવાનગી ધરાવનાર લોકો માટે તથા સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત લોકો માટે અભૂતપૂર્વ લ્હાવો મળી રહેશે તેવું ITRA ના પ્રો. ડો. અનુપ ઠાકરની યાદીમાં જણાવાયું છે.