રાજ્ય સરકારના નેતૃત્વ હેઠળ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં શનિવારે કેન્દ્ર તથા રાજ્ય સરકારની અમલીકૃત પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ), પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી), હળપતિ આવાસ યોજના, ડો. આંબેડકર આવાસ યોજના, પંડિત દીનદયાલ ઉપાધ્યાય આવાસ યોજનાઓના સમગ્ર રાજ્યના 33 જિલ્લાઓના આશરે 1,31,454 આવાસોના ઇ-લોકાર્પણ તથા ખાત મુહૂર્તનો મુખ્ય કાર્યક્રમ બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતેથી યોજાયો હતો.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ ખંભાળિયાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાના અધ્યક્ષસ્થાને તેમજ દ્વારકા વિધાનસભા ક્ષેત્રનો કાર્યક્રમ ધારાસભ્ય પબુભા માણેકની અધ્યક્ષતામાં દ્વારકામાં આવેલા સનાતન સેવા મંડળ ખાતે યોજાયો હતો. જેમાં ખંભાળિયા વિસ્તારના 300 થી વધુ અને દ્વારકા વિધાનસભા ક્ષેત્રના 200 કરતા વધારે આવાસોનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
ખંભાળિયામાં કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે, “દરેક લોકોનું સ્વપ્ન હોય છે કે તેમનું પોતાનું ઘર હોય. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા આવાસ યોજનાના માધ્યમથી આ સ્વપ્ન પૂર્ણ કરવામાં આવી રહ્યું છે. જરૂરિયાતમંદ વ્યક્તિ આત્મનિર્ભર બને તે માટે સરકાર કટિબદ્ધ છે. વિકસિત ભારત સંકલ્પ યાત્રાના માધ્યમથી ઘર આંગણે લોકોને યોજનાનાં લાભ આપવામાં આવ્યા હતા. ત્યારે વિવિધ યોજનાનાં લાભાર્થીએ તેમને મળેલી યોજનાના લાભ વિશે અન્ય લોકોને યોજનાની જાણકારી આપી માહિતગાર કરવા જોઈએ જેથી કરી તેમને પણ યોજનાનો લાભ મળી શકે.” આ પ્રસંગે અગ્રણી પી.એસ. જાડેજાએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા વિવિધ યોજનાના માધ્યમથી લોકોને આત્મનિર્ભર બનાવવામાં આવી રહ્યા છે. આવાસ યોજના દ્વારા લોકોને પોતાનું ઘર હોય તે સ્વપ્ન પૂર્ણ થયું છે. ત્યારે આપણે પણ અન્ય જરૂરિયાતમંદ લોકોને યોજનાની જાણકારી આપી યોજનાનો લાભ અપાવીએ.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોએ બનાસકાંઠાના ડીસા ખાતે યોજાયેલા આવાસ યોજનાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું. જેમાં આવાસ યોજનાના લાભાર્થીઓને મહાનુભાવો દ્વારા ચાવી વિતરણ કરવામાં આવ્યું હતું. અહીં પ્રભારી સચિવ એમ.એ. પંડ્યા, જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યા, નિવાસી અધિક કલેકટર ભૂપેશ જોટાણીયા, નગરપાલિકા પ્રમુખ રચનાબેન મોટાણી, જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન જિતેન્દ્રભાઈ કણજારીયા, જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી, પૂર્વ ધારાસભ્ય મેરામણભાઈ ગોરિયા, રસિકભાઈ નકુમ, ભરતભાઈ ચાવડા, ઘનશ્યામસિંહ જાડેજા, સી.એલ. ચાવડા, અનિલભાઈ તન્ના, ગીતાબા જાડેજા, નિમિષાબેન નકુમ તેમજ વિવિધ વિભાગના અધિકારીઓ, પદાધિકારીઓ તેમજ બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
દ્વારકામાં આયોજીત ઈ-લોકાર્પણ કરવામાં ધારાસભ્ય પબુભા માણેકે જણાવ્યું હતું કે, “નાગરિકોની સુખાકારીમાં વધારો થાય તેમજ ગરીબ અને વંચિતોને પોતાના સ્વપ્નનું ઘર મળે તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા અનેક જનકલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકી છે. વડાપ્રધાનની કંડારેલી વિકાસની કેડી પર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં પ્રતિબદ્ધતા સાથે જનહિતલક્ષી યોજનાઓનો લાભ પહોંચાડી રહી છે. આજરોજ વિકસિત ભારત વિકસિત ગુજરાતના સંકલ્પને આગળ ધપાવતા આપણા વિસ્તારના અનેક નાગરિકોને પોતાના સ્વપ્નનું ઘર મળ્યું છે. જેના થકી નાગરિકોમાં જીવનમાં આમૂલ પરિવર્તન આવ્યું છે. રાજ્યમાં મહિલાઓ, યુવાઓ, ખેડૂતો સહિત તમામ નાગરિકોના સર્વાંગી વિકાસ માટે અનેકવિધ પ્રજા કલ્યાણની યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે.”
વધુમાં ધારાસભ્ય પબુભાએ જણાવ્યું હતું કે, ગુજરાતે વિકાસની હરણફાળ ભરી છે. પ્રવાસન ક્ષેત્રના વિકાસથી રાજ્ય તેમજ સ્થાનિક ક્ષેત્રે આર્થિક પ્રગતિના દ્વાર ખુલ્યા છે. ભગવાન કૃષ્ણની પાવન ભૂમિ દ્વારકામાં અનેક વિકાસના કામો થવાથી પ્રવાસીઓ સંખ્યામાં અનેકગણો ઉછાળો આવ્યો છે. જેના થકી સ્થાનિક રોજગારીમાં વધારો થયો છે તેમજ ગરીબ તથા માધ્યમ પરિવારોની આર્થિક સ્થિતિમાં સુધારો થયો છે. અહીંયા ઉપસ્થિત સૌને મારો અનુરોધ છે કે સરકારની કલ્યાણકારી યોજનાઓ લાભ મેળવો તેમજ અન્યને પણ લાભ લેવા માટે પ્રેરિત કરો.
આ કાર્યક્રમમાં લાભાર્થીઓ ચૌહાણ રમેશભાઈ, કપિલ મોદી આવાસ યોજનાનો સુખદ્ અનુભવ વર્ણવતા પોતાનો પ્રતિભાવો વ્યક્ત કર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સંવાદ સહિતના કાર્યક્રમનું લાઈવ પ્રસારણ ઉપસ્થિત લોકોએ એલ.ઈ.ડી. સ્ક્રિન પર નિહાળ્યું હતું. જેમાં અધિકારીઓ સાથે મોટી સંખ્યામાં આગેવાનો, હોદ્દેદારો, ગ્રામજનો જોડાયા હતા.