ઓસ્ટ્રેલિયાની વુમન્સ ક્રિકેટ ટીમે વનડે ઇતિહાસમાં એવો રેકોર્ડ બનાવ્યો છે, જે હજી સુધી અન્ય કોઈ ટીમ બનાવી શકી નથી. ઓસ્ટ્રેલિયાની વુમન્સ ટીમે સતત 22 વનડે જીતી છે. અગાઉ વનડેમાં સૌથી લાંબી વિનિંગ સ્ટ્રીકનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયાની મેન્સ ટીમના નામે હતો. કાંગારુંએ 2003માં રિકી પોન્ટિંગની કપ્તાની હેઠળ સતત 21 વનડે પોતાના નામે કરી હતી. મેગ લેનિન્ગની ટીમે રવિવારે ન્યૂઝીલેન્ડને 6 વિકેટે હરાવી સતત 22મી વનડે જીતી છે.
ઓસ્ટ્રેલિયાની વુમન્સ ટીમે 12 માર્ચ 2018ના રોજ ભારત સામેના મુકાબલાથી પોતાની વિનિંગ સ્ટ્રીકની શરૂઆત કરી હતી. તે પછી તેમણે પાકિસ્તાન, ન્યૂઝીલેન્ડ, ઇંગ્લેન્ડ, વેસ્ટ ઇન્ડિઝ, શ્રીલંકા અને ન્યૂઝીલેન્ડને શ્રેણીમાં માત આપી છે. જો તેઓ કિવિઝ સામેની ચાલુ શ્રેણી જીતે તો સતત આઠમી સીરિઝ પોતાના નામે કરશે.
ઓસ્ટ્રેલિયાની ટીમે જે 22 વનડેની વિનિંગ સ્ટ્રીક બનાવી છે, તેમાં ચાર પ્લેયર્સ એવા છે જે આ 22 એ 22 વનડેમાં રમ્યા છે. તેમાં એલિસા હિલી, બેથ મૂનિ, રેચલ હેયન્સ અને અશ્લે ગાર્ડનરનો સમાવેશ થાય છે.
ઓસ્ટ્રેલિયાની વુમન્સ ટીમ અત્યારે ન્યૂઝીલેન્ડના પ્રવાસે છે. ત્રણ વનડે શ્રેણીની પ્રથમ મેચમાં માઉન્ટ માગનુઈ ખાતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરતાં તેમણે કિવિઝને 48.5 ઓવરમાં 212 રનમાં ઓલઆઉટ કર્યું. મેગન સ્કટે 9 ઓવરમાં 32 રન આપીને 4 વિકેટ ઝડપી અને આ બદલ પ્લેયર ઓફ ધ મેચ તરીકે પસંદ થઈ. નિકોલા કેરીએ પણ 3 શિકાર કર્યા. રનચેઝમાં એલિસા હિલીએ 65, જ્યારે એલિસ પેરીએ 56* અને એશ્લે ગાર્ડનરે 53* રનનું યોગદાન આપ્યું.