ટી-20 વર્લ્ડકપની તૈયારીમાં લાગેલી ટીમ ઈન્ડિયાની પોલ ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ મોહાલીમાં રમાયેલી પહેલી ટી-20 મેચમાં જ ખૂલી ગઈ છે. ત્રણ ટી-20 મેચની શ્રેણીના પહેલા મુકાબલામાં ઑસ્ટ્રેલિયાએ ભારતને ચાર વિકેટે પરાજય આપ્યો છે. ટીમ ઈન્ડિયાએ પહેલાં બેટિંગ કરતાં 208 રન બનાવ્યા જેના જવાબમાં ઑસ્ટ્રેલિયાએ ચાર બોલ બાકી રાખીને લક્ષ્યાંકને હાંસલ કરી લીધો હતો. આ સાથે જ ભારત શ્રેણીમાં 0-1થી પાછળ થઈ ગયું છે.
ઑસ્ટ્રેલિયા માટે આ મેચમાં હિરો કેમરુન ગ્રીન અને મેથ્યુ વેડ રહ્યા હતા જેણે તાબડતોબ બેટિંગ કરી હતી. આ બન્ને બેટરો સામે ભારતીય બોલર્સ સંપૂર્ણ નિષ્ફળ નિવડ્યા હતા. ગ્રીને માત્ર 30 બોલમાં 61 રન બનાવ્યા તો વેડે 21 બોલમાં 45 રન ઝૂડ્યા હતા.
ભારતની ખરાબ બોલિંગનો અંદાજ એ વાત પરથી જ લગાવી શકાય કે અંતિમ પાંચ ઓવરમાં ઑસ્ટ્રેલિયાને 60થી વધુ રનની જરૂર હતી જેને તેણે સરળતાથી બનાવી લીધા હતા. ટીમ ઈન્ડિયા વતી આ મેચમાં બોલિંગ યુનિટ ‘વિલન’ સાબિત થયું હતું જે 208 જેટલા વિશાળ સ્કોરને પણ બચાવી શક્યું નહોતું.
ટીમ ઈન્ડિયાના મુખ્ય બોલર ભુવનેશ્વર કુમારે ચાર ઓવરમાં બાવન રન આપી દીધા તો એક પણ વિકેટ મેળવી શક્યો નહોતો. આ જ સ્થિતિ યુઝવેન્દ્ર ચહલની રહી હતી જેણે માત્ર 3.2 ઓવરમાં 42 રન આપી દીધા હતા. જ્યારે લાંબા સમય બાદ ટીમમાં વાપસી કરી રહેલા હર્ષલ પટેલે ચાર ઓવરમાં 49 રન આપી દીધા હતા. આ મેચમાં અસરકારક દેખાઈ હોય તો તે માત્ર અક્ષર પટેલની જ બોલિંગ ગણી શકાય જેણે 4 ઓવરમાં 17 રન આપીને ત્રણ વિકેટ મેળવી હતી.
209 રનનો પીછો કરવા ઉતરેલી ઑસ્ટ્રેલિયન ટીમે તોફાની શરૂઆત કરી હતી. પહેલીવાર ઓપનિંગ કરવા આવેલા કેમરુન ગ્રીને ભારતીય બોલર્સની બરાબરની ખબર લઈ નાખી હતી. તેનો સાથ એરોન ફિન્ચ (22 રન)એ આપ્યો હતો. ઑસ્ટ્રેલિયાએ પ્રથમ ત્રણ ઓવરમાં જ 38 રન બનાવ્યા હતા. જો કે ચોથી ઓવરમાં ભારતને સફળતા મળી હતી પરંતુ ગ્રીન અને સ્ટિવ સ્મિથે ભારતીય બોલરો ઉપર એટેક સતત યથાવત રાખ્યો હતો. 23 વર્ષીય ગ્રીને માત્ર 30 બોલમાં 61 રનની ઈનિંગ રમી હતી.