Thursday, September 19, 2024
Homeરાજ્યહાલારકલ્યાણપુર-ભાણવડ પંથકમાં આભ ફાટયું

કલ્યાણપુર-ભાણવડ પંથકમાં આભ ફાટયું

કલ્યાણપુરમાં 24 કલાકમાં વરસ્યો સાંબેલાધાર 12 ઇંચ વરસાદ : ભાણવડના રાણ ગામે મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ, ખાબકયો 10 ઇંચ વરસાદ : સર્વત્ર જળબંબાકારની સ્થિતિ : ફલકુ નદીમાં ઘોડાપૂર : સતસાગર ડેમ છલકાયો : આકાશી વિજળીએ મચાવ્યો કહેર : ખંભાળિયાનો સિંહણ ડેમ છલકાયો : ઘી ડેમમાં વિપુલ પાણી

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા બે દિવસથી મેઘરાજાનો સજ્જડ મુકામ રહ્યો છે. જેમાં મહત્વની અને ઐતિહાસિક બાબતો એ છે કે ખંભાળિયા પંથક તેમજ નજીકના ભાણવડ વિસ્તારમાં ગઈકાલે રાત્રે સતત દોઢથી બે કલાક સુધી ભયાવહ વીજળીના ગગડાટ અને ચમકારાથી સર્વત્ર ભયનો માહોલ પ્રસરી જવા પામ્યો હતો. કલ્યાણપુર તાલુકામાં સૌથી વધુ 12 ઈંચ ઇંચ અને ભાણવડ, ખંભાળિયામાં ચાર-ચાર તથા દ્વારકામાં દોઢ ઈંચ વરસાદ વરસી જવા પામ્યો પામી છે. વીજળીના કારણે વ્યાપક નુકસાનીના અહેવાલો પણ મળી રહ્યા છે. ભાણવડ તાલુકામાં ભારે વરસાદને કારણે ફલકુ નદીમાં ઘોડાપૂર આવ્યા હતા. જયારે સતસાગર ડેમ ઓવરફલો થયો છે. કલ્યાણપુર પંથકના છેલ્લા બે દિવસથી વરસાદે અનેક સ્થળોએ જાણે રુદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય તેમ ધોધમાર વરસાદના કારણે ઠેર-ઠેર જળબંબાકાર જેવી પરિસ્થિતિ જોવા મળી હતી.

- Advertisement -

ભારે ઉકળાટ બાદ ગઈકાલથી શરૂ થયેલા વરસાદમાં કલ્યાણપુર તાલુકાના ભાટિયા, નંદાણા, પટેલકા સહિતના ગામોમાં બે થી ત્રણ ઈંચ વરસાદ વરસી જતા ખેતરો પાણીથી તરબતર બન્યા હતા. ભાટિયા ગામના બસ સ્ટેશન ચોક, રેલવે સ્ટેશન રોડ, મેઈન બજાર સહિતના માર્ગો પર નદી જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.

આ ઉપરાંત તાલુકાના બાંકોડી, દુધિયા, દેવળીયા, વિગેરે ગામોમાં પણ મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હતી. ભારે વરસાદના પગલે વાહન ચાલકો તથા રાહદારીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આમ, કલ્યાણપુરમાં ગઈકાલે દિવસ દરમિયાન 32 મી.મી. તેમજ ગત રાત્રે 12 થી 6 આજે સવારે 6 વાગ્યા સુધીનો સમયગાળા દરમિયાન સાંબેલાધારે સાત ઈંચ (176 મી.મી.) પાણી વરસી ગયું હતું. આમ, ગઈકાલે સવારે 10થી આજે સવારે 10 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન આશરે સાડા 11 ઈંચ (285 મી.મી.) પાણી વરસી જવા પામ્યું હતું. કલ્યાણપુર તાલુકામાં કુલ સાડા 29 ઈંચ (735 મી.મી.) વરસાદ વરસ્યો હતો. આ ધોધમાર વરસાદના પગલે કલ્યાણપુર તાલુકાના હરીપર ગામથી પાનેલી તરફ જતા માર્ગે ઊર્જા વિભાગની એક બોલેરો પાણીના કાઢીયા માંથી પસાર થતી વખતે ધોધમાર વહેણના કારણે તણાવવા લાગી હતી. જો કે સદભાગ્ય કોઈ જાનહાનિ થઈ ન હતી.

- Advertisement -

ભાણવડ તાલુકામાં ગઈકાલના બે ઈંચ વરસાદ બાદ આજે સવારે 8 થી 10 દરમિયાન ધોધમાર બે ઇંચ પાણી પડી પડી જતા છેલ્લા 24 કલાક દરમિયાન 4 ઈંચ (102 મી.મી.) પાણી પડી ગયું હતું. આ સાથે ભાણવડ તાલુકામાં મોસમનો કુલ વરસાદ 476 મી.મી. નોંધાયો છે.

ખંભાળિયા તાલુકામાં પણ છેલ્લા બે દિવસથી ધોધમાર વરસાદ વરસ્યો છે. 24 કલાક દરમિયાન ખંભાળિયા તાલુકામાં 5.5 ઈંચ વરસાદ બાદ આજે સવારે વધુ એક ઈંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. ખંભાળિયા શહેરને પાણી પૂરું પાડતા ઘી ડેમમાં આશરે ત્રણ ફૂટનો વધારો થતાં ડેમની સપાટી 13 ફૂટ ઉપર પહોંચી છે.

- Advertisement -

સિંહણ ડેમમાં દોઢ દિવસમાં આશરે 10 ફૂટ જેટલું નવું પાણી આવતા આજરોજ સવારે 11:30 વાગ્યે સિંહણ ડેમ ઓવરફ્લો થઈ ગયો હતો.

ખંભાળિયા તથા ભાણવડ વિસ્તારમાં ગઈકાલે રાત્રે સતત બે કલાક જેટલા સમયગાળા દરમિયાન થયા ભયાવહ આકાશી વીજના કડાકા-ભડાકાથી લોકો ભયભીત બન્યા હતા. ખંભાળિયાના ઘી ડેમ વિસ્તારના ટ્રાન્સફોર્મર ઉપર વીજળી પડતા પાણી વિતરણ વ્યવસ્થા પ્રભાવિત થઈ હતી. વીજળીના કારણે પંખા, એ.સી., ઈનવર્ટર વિગેરે ઉપકરણો ક્ષતિગ્રસ્ત બન્યા હતાં.

જામનગર જિલ્લાના 10 જળાશયોમાં પાણીની આવક

જામનગર જિલ્લામાં ગઇકાલે સવારથી વરસી રહેલા છુટાછવાયા વરસાદને કારણે જિલ્લામાં કુલ રપ જળાશયો પૈકી 10 જળાશયોમાં નવા પાણીની આવક થવા પામી છે. જયારે પાંચ જળાશયો છલોછલ થયા છે કે છલકાઇ રહયા છે. આ ઉપરાંત રૂપારેલ અને બાલભંડી જળાશયો 90 ટકા સુધી ભરાઇ ગયા છે. ફુલઝર (કોબા)ના બે દરવાજા તથા ઉમિયાસાગરના 4 દરવાજા ખોલીને તેમાંથી પાણી છોડવામાં આવી રહયું છે. જામનગર શહેરને પાણી પુરૂં પાડતાં જળાશયો પૈકી સસોઇની સપાટી 14 ફુટે પહોંચી છે. જયારે ઉંડ-1ની સપાટી 16.57 ફુટે પહોંચી છે. રણજીતસાગરમાં પણ વધુ અઢી ફુટ પાણી ઠલવાતા ડેમની કુલ સપાટી 22.54 ફુટે પહોંચી છે. જિલ્લાના તમામ જળાશયોમાં હાલ પ0 ટકા જેટલો જળ સંગ્રહ થયો હોવાનું સિંચાઇ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular