મધ્ય પ્રદેશની વતની અને પતિનું ઘર છોડ્યા પછી માતા સાથે પણ ઝઘડો કરીને જામનગર પંથકમા આવી પહોંચેલી યુવતી જામજોધપુરના સમાણા ગામમાં કુવામાં ઝંપલાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ યુવતીની વ્હારે 181 અભયમ ની ટીમ પહોંચી અને કાઉન્સેલિંગ કરી ભારે સમજાવટ પછી તેણીને સખી વન સ્ટોપ સેન્ટરમાં આશરો આપી પરિવારને જાણ કરીને જામનગર બોલાવ્યા છે.
આ અંગેની વિગત મુજબ, જામજોધપુર તાલુકાના સમાણાં ગામમાંથી તા.16 ના સાંજે એક સામાજિક કાર્યકરનો 181 માં કોલ આવેલો કે એક યુવતી અહી મળી આવી છે. જેણે કૂવામાં પડી આત્મ-હત્યાનો પ્રયાસ કર્યો છે. તે મૂળ એમ.પી.ના શોટીગોલા ગામની વતની હોવાનું જણાવે છે તેમજ તેની ઉંમર 18 વર્ષની જણાવે છે. જેથી 181-જામનગર ની અભયમ ટીમ ઘટના સ્થળે પહોંચી અને પરપ્રાંતિય યુવતીના કાઉન્સેલિંગમાં તેણીની માતા સાથે ઝગડો કરી ઘરેથી નાસી ગઈ હતી. તેના લગ્ન એક યુવક સાથે 4 મહિના પહેલાં થયા હતા પરંતું તેના પતિ દ્વારા ‘તું ગમતી નથી, તારા હાથનું જમવાનું ભાવતું નથી’ તેવું કહેતા પતિનું ઘર છોડીને માતાના ઘરે ગઇ હતી પરંતુ, ત્યાંથી પણ નીકળી જઈ જુદા-જુદા વાહનો મારફતે જામનગર અને ત્યાર પછી જામનગરથી બસમાં સમાણા પહોંચી કુવામાં ઝંપલાવી આત્મહત્યાનો પ્રયાસ પણ કર્યો હતો.
બાદમાં યુવતીને જામનગર સખી વન સ્ટોપ સેન્ટરમાં આશરો આપવામાં આવ્યો હતો અને સમાણાથી 181 ની અભયમ ટીમના કાઉન્સેલર પૂર્વીબેન પોપટ, કોન્સ્ટેબલ ઈલબા ઝાલા તથા પાયલોટ સુરજીતસિંહ વાઘેલા સહિતના સ્ટાફે યુવતીને કડકડતી ઠંડીમાં એમના ઘરનું કોઈજ સભ્ય અહી હાજર ન હોય અને એકલી હોય આશ્રય અપાવ્યો છે, ઉપરાંત મધ્યપ્રદેશમાં રહેતી તેણીની માતા તેમજ વડોદરામાં રહેતા તેના ભાઈ વગેરેનો પણ ટેલિફોનિક સંપર્ક કરીને તેઓને જામનગર બોલાવી લેવા માટેની કાર્યવાહી કરી હતી.