જામનગર શહેરમાં દિગ્વિજય પ્લોટ 58 માં યુવાન ઉપર પાંચ શખ્સોએ ગુપ્તી, પાઇપ અને લોખંડના સળિયા વડે હુમલો કરતાં યુવાનને ગંભીર હાલતમાં જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જ્યારે સામા પક્ષે પણ પિતા-પુત્રએ યુવાન ઉપર કાતર અને લોખંડના પાઈપ વડે જીવલેણ હુમલો કર્યો હતો. આ બનાવની જાણ થતાં પોલીસ સ્ટાફ ઘટના સ્થળે અને હોસ્પિટલે દોડી ગયો હતો. બનાવમાં બન્ને તરફ સશસ્ત્ર હુમલા કરાયા હોય, પોલીસે બન્ને પક્ષની સામસામી હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
હુમલાના બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં શરૂ સેકશન રોડ પર કુકડા કેન્દ્રની પાછળ કબીર સાહેબનગર આવાસ વીંગમાં રહેતો ધરમ અશોકભાઇ કટારમલ (ઉ.વ.25) નામના યુવાનને દિપાલી સાથે પ્રેમ સંબંધ હતો અને આ પ્રેમ સંબંધનો ખાર રાખી ગુરૂવારે સાંજના સમયે ધરમ કટારમલ દિગ્વિજય પ્લોટ શેરી નં.58માંથી પસાર થતો હતો તે દરમ્યાન દિપાલીના ભાઇ વિવેક અને દિપેશ ભરત નંદા નામના બે ભાઈઓ તથા વિવેક નવિન મહેતા, જતિન ઉર્ફે બાડો રાણા, ચિરાગ મુકેશ સહિતના પાંચ શખ્સોએ ધરમને આંતરીને ગુપ્તી, લોખંડના પાઇપ, સળિયાના આડેધડ ઘા ઝીંકી જીવલેણ હુમલો કર્યો હતો.
તેમજ સામા પક્ષે ધરમ અને તેના પિતા અશોક કટારમલએ દિપાલીને ફોનમાં મેસેજ ન કરવા બાબતે સમજાવવા ગયા હતાં તે દરમિયાન દિપેશ અને વિવેક નામના બન્ને ભાઈઓ ઉપર પાનની દુકાનમાંથી ધારદાર કાતર લઇ વિવેકાના માથામાં જીવલેણ ઘા માર્યો હતો તેમજ લોખંડના પાઈપ વડે હુમલો કર્યો હતો. સશસ્ત્ર કરાયેલા સામસામા હુમલામાં ધરમ કટારમલ અને વિવેક નંદાને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. બનાવની જાણ થતા પીએસઆઈ આઈ.આઈ.નોયડા તથા સ્ટાફ ઘટનાસ્થળે અને ત્યારબાદ હોસ્પિટલે પહોંચી ગયો હતો. જ્યાં પોલીસે ગંભીર ઘવાયેલા ધરમના પિતા અશોક કટારમલના નિવેદનના આધારે પોલીસે વિવેક અને દિપેશ ભરત નંદા, વિવેક નવીન મહેતા, જતીન ઉર્ફે બાડો રાણા અને ચિરાગ મુકેશ નામના પાંચ શખ્સો વિરૂધ્ધ રાયોટીંગ અને હત્યાના પ્રયાસનો તથા સામા પક્ષે દિપેશ નંદાના નિવેદનના આધારે ધરમ અશોક કટારમલ અને અશોક મોહન કટારમલ નામના પિતા-પુત્ર વિરૂધ્ધ હત્યાના પ્રયાસનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જામનગરના દિગ્વિજય પ્લોટમાં યુવાનની હત્યાનો પ્રયાસ
પ્રેમ સંબંધનો ખાર રાખી યુવતીના ભાઈ સહિત પાંચ શખ્સો દ્વારા ગુપ્તી, પાઈપ, સળિયા વડે માર માર્યો : સામા પક્ષે યુવાન ઉપર કાતર વડે જીવલેણ હુમલો : પિતા-પુત્ર સામે ખુનની કોશિશનો ગુનો