ધ્રોલ તાલુકામાં જશાપર ગામે ક્રિસમસ પાર્ટીના નામે ધર્માંતરણનો પ્રયાસ થતો હોવાની ઘટના સામે આવતાં હિન્દુ સેના દોડી ગઇ હતી અને સમગ્ર કાર્યક્રમ અટકાવવામાં આવ્યો હતો. આ બનાવની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઇ હતી.
આ અંગેની મળતી વિગત અનુસાર જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકા પાસે આવેલ જશાપર ગામે ક્રિશ્ર્ચિયન મીશનરી દ્વારા નાતાલ પર્વની ઉજવણી કરવામાં આવી રહી હતી. જેમાં જમણવાર સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ નાતાલ પર્વની ઉજવણીના બહાને લગભગ 250થી વધુ ખેતમજુરોને એકઠાં કરવામાં આવ્યા હતા અને આ ખેતમજુરોને ઇશુના પાઠ કરાવવામાં આવતાં હોવાનું હિન્દુ સેનાના ધ્યાને આવ્યું હતું. જેને લઇ ધ્રોલ હિન્દુ સેનાના પ્રમુખ ગૌરવભાઇ મહેતા અને તેમની ટીમ તાત્કાલિક જશાપર ગામે કાર્યક્રમના સ્થળે દોડી ગઇ હતી અને સમગ્ર કાર્યક્રમ અટકાવવામાં આવ્યો હતો.
ગુજરાત હિન્દુ સેનાના પ્રમુખ પ્રતિક ભટ્ટના માર્ગદર્શન હેઠળ ધ્રોલ હિન્દુ સેનાની ટીમ જશાપર ગામે દોડી ગઇ હતી. અને ક્રિશ્ર્ચિયન મિશન દ્વારા નાતાલની ઉજવણીના નામે ધર્માતરણની પ્રવૃતિ થતી હોવાનો આરોપ સાથે સમગ્ર કાર્યક્રમ અટકાવવામાં આવ્યો હતો. આ ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળે દોડી જઇ સમગ્ર ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી હતી. આ ઘટનાને પગલે ધ્રોલ તાલુકામાં ચર્ચાનો મુદો બન્યો હતો.