ભાણવડમાં જુગાર અંગેની પોલીસ કાર્યવાહી દરમિયાન શિવા ગામના વાડી વિસ્તારમાં રહેતા એક શખ્સે પોલીસને વોટ્સએપ કોલ મારફતે ધમકી આપતા પોલીસે તેની અટકાયતની કાર્યવાહી કરી હતી. જેમાં આ શખ્સે પોલીસ ઉપર હુમલો કરી, મારી નાખવાની ધમકી આપ્યાનો બનાવ પોલીસમાં નોંધાયો છે.
આ સમગ્ર પ્રકરણની વિગત મુજબ ભાણવડ પોલીસ મથકમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ શક્તિસિંહ અનિરુદ્ધસિંહ ઝાલા તથા સ્ટાફના કિશોરભાઈ નંદાણીયા, કિશોરસિંહ જાડેજા, વિપુલભાઈ હેરભા, મનહરસિંહ, વિપુલભાઈ વિગેરે પોલીસ વાનમાં નાઈટ પેટ્રોલિંગમાં હતા, ત્યારે ભાણવડ તાલુકાના શીવા ગામના વાડી વિસ્તારમાં રહેતા દિલીપ વસરા નામના શખ્સ દ્વારા પોલીસ કર્મચારીને તેમના મોબાઈલ ઉપર વોટ્સએપ કોલ કરી અને જણાવેલ કે “તમે બપોરે ત્રણ પાટીયા પાસે મારી ઓફિસે યંત્ર જુગાર ચાલતો હોય તે બાજુ તમે સરકારી ગાડી લઈને આંટા મારતા હતા. તે બાજુ ફરી વખત આવતા નહીં”- તેવી વાત કરી ફોનમાં બિભત્સ ગાળો કાઢી હતી.
ફરજ પર રહેલા પોલીસ કર્મચારીને ફોન ઉપર ધમકી મળતા તેમના દ્વારા આ સમગ્ર બાબતે ઉચ્ચ અધિકારીને માહિતગાર કરી, ભાણવડ નજીક ઘુમલી ગામ પાસે સરકારી વાહન મારફતે નીકળતા પોલીસ સ્ટાફને ઉપરોક્ત દિલીપ વસરાનો ભેટો થઈ જતા તેના દ્વારા પોલીસને બિભત્સ ગાળો કાઢી, જાનથી મારી નાખવાની ધમકી આપી અને ઝઘડો કરતા પોલીસ કર્મચારીઓએ તેમને કાયદેસરની કાર્યવાહી કરવા માટે સરકારી વાહનમાં બેસાડીને લઈ જતા દિલીપે પોલીસ સ્ટાફને માર મારવાનો પ્રયાસ કર્યો હતો. જેથી પોલીસે તેમને બળજબરીપૂર્વક તેને વાહનમાં બેસાડતા દિલીપ વસરાએ બધાને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી, વાહનમાંથી ઉતરીને નાસી જવાનો પ્રયાસ કર્યો હતો.
આ બબાલમાં દિલીપને ઝડપી લેતા તેને ઝાડીઓમાં પડી જવાથી નાની મોટી ઇજાઓ થવા ઉપરાંત તેના દ્વારા પોલીસને ખોટી રીતે પરેશાન કરવાના ઇરાદાથી પોતાનું માથું વાહનના કાચમાં પછાડ્યું હતું.
આ બનાવમાં પોલીસ કર્મીઓને પણ સામાન્ય, નાની – મોટી ઈજાઓ થવા પામી હતી. જેથી ભાણવડ પોલીસે શક્તિસિંહ ઝાલાની ફરિયાદ પરથી દિલીપ વસરા સામે આઈ.પી.સી. કલમ 332, 353, 186, 504, 506 (2), 507 વિગેરે મુજબ ગુનો નોંધી, ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે.