જામનગર તાલુકાના ઠેબા ગામમાં રહેતાં યુવાનના ઘર પાસે રેતીનો ટ્રક દિવાલને અડી જતા નુકસાનીનું કહેવા જતા બોલાચાલી બાદ ચાર શખ્સોએ એકસંપ કરી પિતા-પુત્ર ઉપર લાકડી વડે હુમલો કરી પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.
હુમલાના બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના ઠેબા ગામમાં રહેતાં રાહુલ મકવાણાના ઘરની બાજુમાં રહેતા કિશોર બિજલ મકવાણાના ઘરે રેતીનો ટ્રક આવ્યો હતો. જે ટ્રક યુવાનની દિવાલને અડી જતા થયેલા નુકસાન સંદર્ભે યુવાનના પિતા દિનેશભાઈ કહેવા ગયા હતાં તે દરમિયાન કિશોર બિજલ મકવાણા અને તેના પુત્રો ભાગ્યેશ મકવાણા, યશ મકવાણા, હર્ષદ મકવાણા નામના ચાર શખ્સોએ એકસંપ કરી દિનેશભાઈ ઉપર લાકડી વડે અને ઢીકાપાટુનો માર મારતા પુત્ર રાહુલ પિતાને છોડાવવા વચ્ચે પડયો હતો. હુમલાખોરોએ પિતા-પુત્ર ઉપર લાકડી વડે અને ઢીકાપાટુનો માર મારી મુંઢ ઈજા પહોંચાડી પતાવી દેવાની ધમકી આપી હતી. હુમલો કરી ધમકી આપ્યાના બનાવમાં ઘવાયેલા પિતા-પુત્રને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં બનાવની જાણ થતા હેકો સી ડી જાટીયા તથા સ્ટાફે પિતા અને ત્રણ પુત્રો સહિત ચાર શખ્સો વિરૂધ્ધ હુમલાનો ગુનો નોંધી ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.