ધ્રોલ ગામમાં આવેલાં ચાંમુડા પ્લોટમાં રહેતાં અને ખેતી કામ કરતાં પ્રૌઢ તેની વાડીના રસ્તે બાઇક પર જતાં હતાં ત્યારે અજાણ્યા શખ્સે તું મારા ઘર પાસેથી કેમ નિકળશ તેમ કહીં છરી વડે હુમલો કર્યો હતો. હુમલામાં પ્રૌઢને બચાવા પડેલાં અન્ય વ્યકિતને પણ છરીનો ઘા ઝીકયો હતો. લાલપુર તાલુકાના નાની રાફુદળ ગામમાં પાંચ શખ્સોએ ઢીકા-પાટુંનો માર મારી બે યુવાનોને ધમકી આપી હતી.
હુમલાના બનાવ અંગેની વિગત મુજબ ધ્રોલ ગામમાં આવેલાં ચાંમુડા પ્લોટમાં રહેતાં અને ખેતી કામ કરતાં રમેશભાઇ વલ્લભભાઇ મકવાણા(ઉ.વ.55) નામના પ્રૌઢ બુધવારે સાંજના સમયે તેના બાઇક પર ઘરેથી તેની વાડીના રસ્તે જતાં હતાં ત્યારે અજાણ્યા શખ્સે પ્રૌઢને આંતરીને ‘તું શું કામ અમારા ઘર પાસેથી રસ્તા પરથી નિકળશ’ તેમ કહીં અપશબ્દો બોલી છરી વડે ડાબા હાથમાં ને પગમાં ઘા ઝીકયા હતાં. તે સમયે પ્રૌઢને બચાવવા વચ્ચે પડેલા સલીમભાઇને કપાળના ભાગે છરીનો ઘા ઝીકયો હતો. હુમલાના બનાવમાં ઘવાયેલા બંન્ને વ્યકિતઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. આ અંગેની જાણ કરતાં હેકો. ડી.એ.રાઠોડ તથા સ્ટાફે રમેશભાઇના નિવેદનના આધારે ગુનો નોંધી હુમલા ખોરની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.
બીજો બનાવ લાલપુર તાલુકાના નાની રાફુદળ ગામમાં રહેતાં અમીત જીવરાજભાઇ સોનગરા નામના વેપારી યુવાનને બુધવારે સવારના સમયે દિલિપ તુલસી ધારવિયા, હેમંત તુલસી ધારવિયા, તુલસી ખેતા ધારવિયા, નરેન્દ્ર અને મહેન્દ્ર પ્રવિણ ધારવિયા નામના પાંચ શખ્સોએ આંતરીને ઢીકા-પાટુનો માર મારી પતાવી દેવાની ધમકી આપી હતી. હુમલાના બનાવ અંગેની અમિત દ્વારા કરાયેલી જાણના આધારે હેકો.ટી.બી.જાડેજા તથા સ્ટાફે પાંચ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.