કાલાવડ તાલુકાના હંસસ્થળ ગામમાં રહેતાં પ્રૌઢના પુત્રએ પ્રેમલગ્ન કર્યાનો ખાર રાખી બે શખ્સોએ પ્રૌઢ ઉપર લાકડી વડે હુમલો કરતાં દિકરી બચાવવા પડતાં તેના ઉપર હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા પિતા-પુત્રીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.
આ બનાવ અંગેની વિગત મુજબ, જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના હંસસ્થળ ગામના વતની અને હાલ રાજકોટમાં કોઠારિયા વિસ્તારમાં રહેતાં કિશોરભાઈ પોપટભાઈ કારસરિયા (ઉ.વ.52) નામના પ્રૌઢના પુત્ર હિરેને રહીમ નોયડા નામના શખ્સની ભત્રીજી મુસ્કાન સાથે પ્રેમલગ્ન કર્યા હતાં. આ પ્રેમલગ્નનો ખાર રાખી રવિવારે બપોરના સમયે કાલાવડ તાલુકાના હંસસ્થળ ગામની સીમમાં આવેલી વાડીએ બાઈક પર જઈ રહીમ યુસુફ નોયડા અને હનિફ વલીમામદ નોયડા નામના બે શખ્સોએ યુવકના પિતા કિશોરભાઈ કારસરિયા સાથે બોલાચાલી કરી ‘તારા દિકરા હિરેને મારી ભત્રીજી મુસ્કાનને ભગાડી પ્રેમલગ્ન કર્યા છે અને તમને ગામમાં આવવાની ના પાડી હોવા છતાં કેમ આવો છો?’ તેમ કહી કિશોરભાઈ અને તેની પુત્રી પૂર્ણા સાથે બોલાચાલી કરી અપશબ્દો બોલી લાકડી વડે પ્રૌઢ ઉપર હુમલો કર્યો હતો. હુમલામાં પિતાને બચાવવા વચ્ચે પડતા દિકરી પૂર્ણા ઉપર પણ બન્ને શખ્સોએ મારી નાખવાની ધમકી આપી હતી.
ઘવાયેલા પિતા-પુત્રીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જયાં બનાવની જાણના આધારે હેકો એચ.એ. મકવાણા તથા સ્ટાફે કિશોરભાઈના નિવેદનના આધારે બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.