જામનગર તાલુકાના મસીતિયા ગામમાં રહેતાં શ્રમિક યુવાન ઉપર પિતરાઈ પાસેથી ઉઘરાણીના પૈસાની બાબતનું મનદુ:ખ રાખી ત્રણ ભાઈઓએ તલવાર અને લાકડાના ધોકા તથા પાઈપ વડે હુમલો કર્યો હતો.
હુમલાના બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના મસીતિયા ગામમાં રહેતાં આરીફ ખીરા નામનો યુવાન શુક્રવારે બપોરના સમયે ગામમાંથી પસાર થતો હતો તે દરમિયાન તેના મામાના દિકરા લતિફ પાસે જમા થયેલા 40 હજારની બાબતનું મનદુખ રાખી લતિફ મુસાફ પતાણી, કાસમ પતાણી, જાવીદ પતાણી અને રજાક લતિફ પતાણી નામના ચાર શખ્સોએ આરિફને અપશબ્દો બોલી તલવાર, લાકડાનો ધોક, લોખંડના પાઈપ વડે હુમલો કર્યો હતો. હુમલાના બનાવમાં ઘવાયેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં બનાવની જાણ કરાતા એએસઆઈ ડી.સી. ગોહિલ તથા સ્ટાફે ચાર શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.
જામનગરના મસીતિયામાં મજૂરીના પૈસા સંદર્ભે યુવાન ઉપર હુમલો
તલવાર, લાકડાનો ધોકો અને પાઇપ વડે માર માર્યો : પોલીસ દ્વારા હુમલાખોરોની શોધખોળ