જામનગર શહેરના બેડી ગેઈટ વિસ્તારમાં સરાજાહેર પ્રેમલગ્ન બાદ છૂટાછેડાા થયાનો ખાર રાખી બે શખ્સોએ યુવાન ઉપર આડેધડ છરીના ઘા ઝીંકી ગંભીર ઈજા પહોંચાડી પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
મળતી વિગત મુજબ, જામનગર શહેરના વિકટોરીયા પુલ નીચે આવેલા ભારતવાસમાં રહેતા અને મજૂરી કામ કરતા છગનભાઈ દેવાભાઈ ઝાખર (ઉ.વ.40) નામના યુવાનની ભત્રીજી વિજયાબેને મુકેશ પરમાર સાથે ત્રણ વર્ષ પહેલાં પ્રેમલગ્ન કર્યા હતાં. પરંતુ લગ્ન થયા ત્યારબાદથી બંને વચ્ચે અવાર-નવાર બોલાચાલી અને ઝઘડા થવાથી એક માસ પહેલાં છૂટાછેડા લીધા હતાં. આ છૂટાછેડાનો ખાર રાખી મુકેશ પાલા પરમાર, ઉપેન્દ્ર ઉર્ફે ઉકો પાલા પરમાર નામના બે ભાઈઓએ સોમવારે સાંજના છ વાગ્યાના અરસામાં ટ્રાફિકથી ધમધમતા એવા બેડી ગેઈટ વિસ્તાારમાં હોટલ પાસે જાહેરમાં છગન દેવા ઝાખરને આંતરીને બંને ભાઈઓએ છરીના આડેધડ ઘા ઝીંકતા જાહેર માર્ગ પર સન્નાટો છવાઈ ગયો હતો. જોકે કોઇ પણ શહેરીજનોએ હિમ્મત કરીને હુમલો અટકાવ્યો ન હતો. ત્યારબાદ છરી વડે હુમલો કર્યા બાદ બંને શખ્સો નાશી ગયા હતાં. ઘવાયેલા છગનભાઈને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં બનાવની જાણના આધારે પીએસઆઈ ટી ડી બુડાસણા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ બંને ભાઈઓ વિરૂધ્ધ ગુનો નોંધી ધરપકડ માટે શોધખોળ આરંભી હતી.
ઉલ્લેખનીય છે કે શહેરની મધ્યમાં આવેલા બેડી ગેઈટ જેવા ભરચક વિસ્તારમાં સમીસાંજે બે શખ્સો દ્વારા બેખોફ યુવાનને આંતરીને છરીબાજી કરાતા પોલીસની આબરુના લીલા ઉડયા હતાં. જાહેરમાં આ રીતે થયેલી છરીબાજીથી શહેરીજનોમાં ફફડાટ ફેલાઇ ગયો હતો અને પોલીસની કામગીરી ઉપર અનેક તર્ક-વિતર્ક થઈ રહયા છે.