જામનગર શહેરના ગોકુલનગર સાયોના શેરી વિસ્તારમાં સરખુ વાહન ન ચલાવવા બાબતે અને જૂની માથાકૂટનો ખાર રાખી પિતા અને બે પુત્રોએ યુવાન ઉપર લાકડાના ધોકા અને પાઈપ વડે હુમલો કર્યો હતો.
હુમલાની વિગત મુજબ, જામનગર શહેરના ગોકુલનગર રડાર રોડ શેરી નં.4 માં રહેતાં અને રીક્ષા ચલાવતા પ્રવિણભાઈ ધનરાજભાઈ ગઢવી નામના યુવાનને જીતુભા જાડેજા સાથે અગાઉની થયેલી માથાકૂટનો ખાર હોય અને ગઢવીની શેરીમાંથી સરખુ વાહન ન ચલાવવા બાબતે ગઢવીએ કહ્યું હતું કે જેનો ખાર રાખી જીતુભા કાનાભા જાડેજા, દિવ્યરાજ જીતુભા જાડેજા, હાર્દિક જીતુભા જાડેજા નામના ત્રણ શખ્સોએ એકસંપ કરી બુધવારે રાત્રિના સમયે ગઢવી યુવાન ઉપર લાકડાના ધોકા અને લોખંડના પાઈપ વડે હુમલો કરી ઇજા પહોંચાી હતી. બનાવમાં ઘવાયેલા ગઢવી યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવની જાણ થતા હેકો એચ.એ. પરમાર તથા સ્ટાફે ત્રણ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.