જામનગર શહેરના વુલનમીલ વિસ્તારમાં રાવળવાસમાં રહેતા યુવાન પાસે શખ્સે દારૂ પીવાના પૈસાની માંગણી કરતાં યુવાને પૈસા આપવાની ના પાડતા શખ્સે ઢીકાપાટુનો મારમારી છરી વડે હુમલો કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
હુમલાના બનાવની વિગત મુજબ, જામનરગ શહેરમાં વુલનમીલ મહાકાળી મંદિર પાસે આવેલા રાવળવાસમાં રહેતો અને મજૂરી કામ કરતો વિજય ચમનભાઈ ગોહિલ નામનો યુવાન ગત તા.26 ના રોજ રાત્રિના સમયે વામ્બે આવાસ પાસે આવેલી ઈંડાની રેંકડી નજીક ઉભો હતો ત્યારે દિકુ નવલ ગોહિલ નામના શખ્સે આવીને વિજય પાસે દારૂ પીવાના પૈસાની માંગણી કરી હતી. જેથી વિજયે દારૂના પૈસા આપવાની ના પાડતા ઉશ્કેરાયેલા દિપુએ ઢીકાપાટુનો માર મારી ગાળો કાઢી છરી વડે ડાબા પડખામાં તથા જમણા હાથમાં ઘા ઝીંકયા હતાં. હુમલામાં ઘવાયેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવની જાણ થતા પીએસઆઈ જે.એસ. ગોવાણી તથા સ્ટાફે વિજયના નિવેદનના આધારે ગુનો નોંધી તપાસ આરંભી હતી.