જામનગર શહેરના હવાઈ ચોક વિસ્તારમાં રહેતાં અને ડ્રાઈવિંગ કરતા યુવાને હાથ ઉછીના લીધેલા બે લાખ રૂપિયા પરત આપી દીધા હોવા છતાં ત્રણ શખ્સોએ રૂપિયાની ઉઘરાણી કરી લાકડાના ધોકા વડે માર માર્યો હતો.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરના હવાઈ ચોક વિસ્તારમાં રહેતાં અને ડ્રાઈવિંગ કરતાં વિવેક પ્રવિણભાઈ નંદા (ઉ.વ.38) નામના યુવાને અનિરૂધ્ધસિંહ પીંગળ પાસેથી બે લાખ રૂપિયા હાથ ઉછીના લીધા હતાં અને આ બે લાખની રકમ ચૂકવી દીધી હોવા છતાં રૂપિયાની ઉઘરાણી કરતાં હતાં દરમિયાન મંગળવારે સાંજના સમયે અનિરૂધ્ધસિંહ તથા બે અજાણ્યા સહિતના ત્રણ શખ્સોએ સત્યસાંઈ સ્કૂલ પાસે વિવેકને આંતરીને ગાળાગાળી કરી લાકડાના ધોકા વડે માર મારી ઈજા પહોંચાડી હતી. ઉઘરાણી મામલે હુમલો કરાતા ઘવાયેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. આ અંગેની જાણના આધારે પીએસઆઈ આર.પી. અસારી તથા સ્ટાફે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.