લાલપુર તાલુકાના સેતાલુસ ગામમાં રહેતાં કન્સ્ટ્રકશનના વ્યવસાયી યુવાનને દાખલો નહીં કાઢી આપવાનો ખાર રાખી ચાર શખ્સોએ લોખંડના પાઈપ, ધારિયા, લાકડાના ધોકા વડે હુમલો કર્યો હતો. હુમલામાં બચાવવા વચ્ચે પડેલા યુવાનને પણ માર મારી ઈજા પહોંચાડી હતી.
બનાવની વિગત મુજબ, લાલપુર તાલુકાના સેતાલુસ ગામમાં રહેતાં સામતભાઈ મંગાભાઈ યાદવ નામના કન્સ્ટ્રકશન વ્યવસાય યુવાન પાસેથી તેના જ ગામના જગા બાંભયા નામના શખ્સે 60 હજારથી ઓછી આવકનો દાખલો કઢાવવાનું કહેતા યુવાને દાખલો ન કાઢી આપતા આ બાબતનો ખાર રાખી મંગળવારે રાત્રિના સમયે સેતાલુસ ગામમાં સામત યાદવને આંતરીને જગા બાંભયા, જગા ઝાપડા, રાજા જસાઅ ને પાચા ખાટરિયા નામના ચાર શખ્સોએ એકસંપ કરી લોખંડના પાઈપ, ધારિયા, લાકડાના ધોકા વડે આડેધડ માર મારી ગંભીર ઈજા પહોંચાડી હતી. યુવાન ઉપર કરાયેલા હુમલામાં વીરાભાઈ સામતભાઈને બચાવવા વચ્ચે પડતા તેના ઉપર પણ ત્રણ શખ્સોએ હુમલો કરી મુંઢ ઈજા પહોંચાડી હતી.
ઘવાયેલા બન્ને યુવાનોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં બનાવની જાણ થતા હેકો એ.જી. જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઈ ઘવાયેલ ક્ધસ્ટ્રકશન વ્યવસાયી યુવાનના નિવેદનના આધારે ચાર શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી ધરપકડ માટે શોધખોળ આરંભી હતી.