જામનગર શહેરના ગુલાબનગર વાંજાવાસ વિસ્તારમાં રહેતી મહિલાને તેણીના પતિ તથા સાસરીયાઓ દ્વારા અવાર-નવાર શારીરિક માનસિક ત્રાસ આપી માવતરે રૂપિયા લઇ આવવા માટે દબાણ કરી લાકડી વડે હુમલો કર્યો હતો. તેમજ મહિલાના પિતા અને ભાઈ ઉપર હુમલો કર્યાના બનાવમાં પોલીસે ત્રણ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં ગુલાબનગર પાસે આવેલા વાંજાવાસ વિસ્તારમાં રહેતાં ફરજાનાબેન અનવર સીપાઇ (ઉ.વ.29) નામની મહિલાને તેણીના પતિ અનવર ઈસ્માઇલ સિપાઈ દ્વારા અવાર-નવાર દુ:ખત્રાસ આપી માવતરેથી રૂપિયા લઇ આવવા માટે દબાણ કરતો હતો અને પત્નીને ગાળો કાઢી લાકડી વડે માર માર્યો હતો. તેમજ પત્ની પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા ગઈ હોવાનો ખાર રાખી ગુરૂવારે સાંજના સમયે અનવર ઈસ્માઈલ સિપાઈ, અબ્બાસ ઈસ્માઈલ સિપાઈ અને મહેબુબ ઈસ્માઇલ સિપાઈ નામના ત્રણ શખ્સોએ એકસંપ કરી બાજુમાં રહેતાં અનવરના સસરા અનવર પઠાણ અને સાળો મહોસીન ચા પીતા હતાં ત્યારે ધારીયા, લોખંડના પાઈપ વડે હુમલો કરી ઈજા પહોંચાડી હતી. હુમલા દરમિયાન સસરા અને પતિ મહોસીનને છોડાવવા વચ્ચે પડેલી મહોસીનની પત્ની ફરીનબેનને લાતો મારી પાડી દીધી હતી.
ત્રણ શખ્સો દ્વારા કરાયેલા હુમલામાં ઘવાયેલી પત્ની ફરજાનાબેન, સસરા અનવર પઠાણ, સાળો મહોસીન અને સાળાવેલી સહિતનાને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. બનાવની જાણના આધારે પીએસઆઈ એસ.વી. સામાણી તથા સ્ટાફે ફરજાનાબેનના નિવેદનના આધારે તેના જ પતિ સહિતના ત્રણ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.