જામનગર શહેરના દિ.પ્લોટ વિસ્તારમાં બાઇક અડી જવાની નજીવી બાબતે મહિલા સહિત ત્રણ શખ્સોએ પ્રૌઢાના ઘરે જઈ અપશબ્દો બોલી પ્લાસ્ટિકના પાઈપ અને લાકડાના ધોકા વડે હુમલો કરી જાતિ વિષયક અપમાનિત કર્યાના બનાવમાં પોલીસે એટ્રોસિટીનો ગુનો નોંધી તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના દિગ્વીજય પ્લોટ 45 માં આવેલા ગણેશવાસમાં રહેતાં રંજનબેન વાઘેલા નામના પ્રૌઢાના ભત્રીજા મેહુલ અરુણભાઈ નામના યુવકનું બાઈક આજ વિસ્તારમાં રહેતા કૃણાલના બાઈકને અડી જવા જેવી નજીવી બાબતનું મનદુ:ખ રાખી સોમવારે રાત્રિના સમયે કૃણાલ, તનિષા, અંજનાબા સહિતના ત્રણ શખ્સોએ એકસંપ કરી પ્રૌઢાના ઘરે જઇ જાતિ વિષયક અપમાનિત કરી લોખંડના પાઈપ અને પ્લાસ્ટિકનો પાઇપ તથા લાકડાના ધોકા વડે આડેધડ માર મારી પગમાં અને વાંસામાં ઈજા પહોંચાડી હતી. ઈજાગ્રસ્ત પ્રૌઢાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં બનાવની જાણ થતા એસસીએસટી સેલના ડીવાયએસપી જે.એસ. ચાવડા તથા સ્ટાફે પ્રૌઢાના નિવેદનના આધારે ત્રણ શખ્સો વિરૂધ્ધ એટ્રોસિટી અને હુમલાનો ગુનો નોંધી તપાસ આરંભી હતી.