જામનગર તાલુકાના દરેડ નજીક હાથ ઉછીની રકમના હિસાબ સંદર્ભે થયેલા ઝઘડાનો ખાર રાખી ચાર શખ્સોએ યુવાનને અપશબ્દો બોલી પતાવી દેવાની ધમકી આપી માર માર્યો હતો.
આ અંગેની વિગત મુજબ, જામનગર તાલુકાના દરેડ ગામમાં સોમવારે સાંજના સમયે અલી સીદીકી નામના યુવાને વિજય નામના શખ્સ સાથે હાથ ઉછીની રકમના હિસાબ બાબતે બોલાચાલી અને ઝઘડો થયો હતો. આ ઝઘડાનો ખાર રાખી વિજય, વિજયસિંહ દરબાર, રણજીતસિંહ, મંગલસિંહ નામના ચાર શખ્સોએ અલી તથા સદામહુશેન નામના બે વ્યક્તિઓને આંતરીને લાકડાના ધોકા વડે માર મારી ઈજા પહોંચાડી હતી તેમજ અપશબ્દો બોલી પતાવી દેવાની ધમકી આપી હતી. હુમલા બાદ ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. બનાવ અંગે એએસઆઈ એમ.એલ. જાડેજા તથા સ્ટાફે ચાર શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.