કાલાવડ નજીક આવેલા વિરવાવ ગામમાં રહેતાં અને ખેતી કરતા યુવકની જમીનમાંથી ડેમમાં જવાના રસ્તા પર ચાર શખ્સોએ જમીન ખેડી નાખતા રસ્તો બંધ થઈ ગયો હતો. જેથી રસ્તાની બાબતે કહેવા જતાં યુવક સહિતના બે વ્યક્તિઓ ઉપર ચાર શખ્સોએ ધોકા વડે માર મારી પતાવી દેવાની ધમકી આપી હતી.
હુમલાના બનાવની વિગત મુજબ, કાલાવડ નજીક આવેલા વિરવાવ ગામમાં રહેતાં અને ખેતી કરતા જયરાજ દિલાભાઈ માલા નામના યુવકની જમીનમાંથી ડેમમાં જવાના રસ્તા પર હિરા રાતડિયા અને તેના પરિવારજનોએ જમીન ખેડી નાખી હતી જેથી માલા પરિવારને જવાનો રસ્તો બંધ થઈ જતા જયરાજે આ રસ્તા બાબતે કહેતા જે બાબતનો ખાર રાખી ગુરૂવારે બપોરના સમયે ભૌતિક હિરા રાતડિયા, નાગજી રાતડિયા, ગોપાલ રાતડિયા અને રતા રાતડિયા નામના ચાર શખ્સોએ એકસંપ કરી જયરાજને ફડાકા મારી કાઠલો પકડી અપશબ્દો કહ્યા હતાં. તેમજ કડા વડે હુમલો કર્યો હતો. ઉપરાંત જયરાજના ભાઈ રાજનને અપશબ્દો કહી ધોકા વડે માર માર્યો હતો અને ઢીકાપાટુનો માર મારી પતાવી દેવાની ધમકી આપી હતી. હુમલાના બનાવમાં ઘવાયેલા બે ભાઈઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં બનાવની જાણ થતા હેકો જે.એચ. પાગડાર તથા સ્ટાફે જયરાજના નિવેદનના આધારે ચાર શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી ધરપકડ માટે શોધખોળ આરંભી હતી.