જામનગર શહેરના ગાંધીનગર વિસ્તારમાં આવેલી વેસ્ટ ટુ એનર્જી કંપની અવાર-નવાર ચર્ચામાં રહે છે ત્યારે આ કંપનીના સિકયોરિટી ગાર્ડ દ્વારા રાત્રીના સમયે ટ્રક ડ્રાઈવરે ટ્રક પાછળ ન લેતા ગાર્ડે પાઈપ, ધોકા, ધારીયા વડે ટ્રકના કાચ તોડી ડ્રાઈવર તથા કલીનરો ઉપર હુમલો કરતા ઘવાયેલા લોકોને સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં એક ડ્રાઈવરની હાલત નાજુક હોવાનું જાણવા મળે છે.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં ગાંધીનગર વિસ્તારમાં આવેલી વેસ્ટ ટુ એનર્જી કંપની અવાર-નવાર ચર્ચામાં રહી છે. ચાલુ થયા બાદ આ કંપનીનો સ્થાનિક લોકો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો અને કંપનીમાંથી નિકળતા ભયંકર અવાજના કારણે સ્થાનિક રહેવાસીઓ ત્રાહિમામ પોકારી ગયા હતાં. દરમિયાન ગત રાત્રિના સમયે આ કંપનીના સિકયોરિટી ગાર્ડની દાદાગીરી બહાર આવી હતી. જેમાં ટ્રક ડ્રાઈવરે તેનો ટ્રક પાછળ ન લેતા ઉશ્કેરાયેલા સિકયોરિટી ગાર્ડે પાઈપ, ધોકા અને ધારીયા વડે ટ્રકના કાચ તોડી નાખ્યા હતાં તેમજ ડ્રાઈવરો અને કલીનરો ઉપર આડેધડ હુમલો કરતા નયાઝ અલી વાઘેર, સાજીદ રફીક જુણેજા, જિલાની કાસમ જોખીયા અને આમદ સલીમ ગજણ નામના ચાર વ્યક્તિઓ હુમલામાં ઘવાતા તેઓને સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેેડવામાં આવ્યા હતાં. જ્યાં ઈજાગ્રસ્તોના પરિવારજનો અને સ્થાનિક લોકો દોડી ગયા હતાં. બનાવ અંગેની જાણ થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે અને હોસ્પિટલે પહોંચી ગયો હતો.