જામનગર શહેરના નવાગામ ઘેડ વિસ્તારમાં આવેલી જશંવત સોસાયટી પાસે થોડા દિવસ પહેલાં સામાન્ય બોલાચાલીનો ખાર રાખીને ત્રણ શખ્સોએ યુવાન ઉપર લાકડાંના ધોકા, છરી વડે હુમલો કરી પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.
હુમલાના બનાવની વિગત મુજબ જામનગર શહેરમાં નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતાં લક્ષ્મણ ઉર્ફે લખન રામભાઇ ચાવડા(ઉ.વ.42)નામના યુવાનને થોડાં દિવસ અગાઉ ધમભા જાડેજા ઉર્ફે દાઢી સાથે સામાન્ય બાબતે બોલાચાલી થઇ હતી. આ બોલાચાલીનો ખાર રાખીને શુક્રવારે મધ્યરાત્રિના સમયે લખન ચાવડા તેના બાઇક પર જઈને મસાલો ખાવા ઉભો હતો તે દરમિયાન અભિરાજસિંહ સજુભા જાડેજા, ધમભા જાડેજા ઉર્ફે દાઢી, સંજય કોળી ઉર્ફે ડટી નામના ત્રણ શખ્સોએ આવીને લખનને અપશબ્દો બોલી લાકડાના ધોકા વડે હુમલો કર્યો હતો. ત્યારબાદ છરી વડે ગોઠણ પાસે એક ઘા ઝીંકયો હતો અને ત્યારબાદ ત્રણેય શખ્સોએ ઢીકાપાટુનો માર મારી રોડ પર ઢસડીને પતાવી દેવાની ધમકી આપી હતી. ઘવાયેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
આ અંગેની જાણ થતા પીએસઆઈ એ.બી.સપિયા તથા સ્ટાફ હોસ્પિટલે દોડી ગયો હતો અને ઈજાગ્રસ્ત લક્ષ્મણ ઉર્ફે લખન ચાવડાના નિવેદનના આધારે ત્રણ શખ્સો વિરૂધ્ધ હુમલાનો અને ધમકીનો ગુનો નોંધી આરોપીઓની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.