જામજોધપુર નજીક આવેલા ખારીવાવ નેસ પાસેથી પસાર થતા યુવાનને આંતરીને એક શખ્સે ‘તુ અમોને અંદરો-અંદર ઝઘડા કરાવે છે’ તેમ કહી ફડાકા મારી લાકડાના ધોકા વડે હુમલો કર્યો હતો અને માથાના વાળ ખેંચી પછાડી દઈ પતાવી દેવાની ધમકી આપી હતી.
બનાવની વિગત મુજબ, જામજોધપુર ગામમાં રહેતાં અને ખેતી કરતા હરસખુભાઈ ઉર્ફે લાલ જેન્તીભાઈ કુડેચા (ઉ.વ.32) નામનો યુવાન બુધવારે બપોરના સમયે ખારીવાવ નેશ પાસેથી તેના ઘર તરફ આવતો હતો તે દરમિયાન રસ્તામાં બેસેલા બધા રામા છેલાણા નામના શખ્સે આંતરીને ‘તુ અમોને અંદરો-અંદર ઝઘડા કરાવે છે’ તેમ કહી ફડાકા અને લાત મારી હતી. ત્યારબાદ ધોકાના ત્રણ-ચાર ઘા ઝીંકી મુંઢ ઈજા પહોંચાડી હતી. ત્યારબાદ યુવાનના વાળ ખેંચી નીચે પટકી અપશબ્દો બોલી પતાવી દેવાની ધમકી આપી હતી. હુમલામાં ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવની જાણ થતા હેકો વી.પી. જાડેજા તથા સ્ટાફે ઈજાગ્રસ્તના નિવેદનના આધારે શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.