કાલાવડ તાલુકાના શીશાંગ ગામમાં પંચાયતની ઓફિસ પાસે મધ્યરાત્રિના સમયે કારનું ટાયર કાઢતા શખ્સોની પૂછપરછ કરતા ચાર શખ્સોએ ઉપસરપંચને ગાળો કાઢી મારી નાખવાની ધમકી આપી છરીનો ઘા ઝીંકી ગંભીર ઈજા પહોંચાડયાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
હુમલાના બનાવની વિગત મુજબ, કાલાવડ તાલુકાના શીશાંગ ગામમાં રહેતાં બલભદ્રસિંહ ઉર્ફે બળુભા રઘુભા જાડેજા (ઉ.વ.39) નામના ખેડૂત યુવાનને ગત તા.28 ના મધ્યરાત્રિના સમયે ગ્રામ પંચાયતની ઓફિસ પાછળ ચાર શખ્સો હોવાની જાણ થતા ઉપસરપંચ સ્થળ પર પહોંચ્યા હતાં ત્યારે ત્યાં રહેલી જીજે-03-ઈએલ-1526 નંબરની કારનું ટાયર ચિરાગ જેન્તી પરમાર, હિતેશ મનજી, રોહિત દિનેશ અને અજાણ્યા સહિતના ચાર શખ્સો ટાયર કાઢતા હતાં. જેથી ઉપસરંચ યુવાને કારના કાગળોની માંગણી કરતા અજાણ્યા શખ્સોએ ઉશ્કેરાઈને ઉપસરપંચ સાથે ઝપાઝપી કરી છરીનો ઘા ઝીંકયો હતો. જેથી ઉપસરપંચ ત્યાં ઢળી પડયા હતાં. ત્યારબાદ પતાવી દેવાના ઈરાદે અન્ય ત્રણેય શખ્સોએ ઢીકાપાટુનો માર માર્યો હતો. અને ઉપસરપંચ સાથે રહેલા વ્યક્તિને પણ ઢીકાપાટુનો માર માર્યો હતો.
રાત્રિના સમયે ઉપસરપંચ સહિતના બે વ્યકિતઓ ઉપર થયેલા હુમલામાં ઘવાયેલા ઉપસરપંચના સહિતનાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં જ્યા બનાવની જાણ થતા પીઆઈ એન બી ડાબી તથા સ્ટાફે ચાર શખ્સો સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.