કાલાવડ ગામમાં સીનેમા રોડ પર દિવાળીની રાત્રિના સમયે ઘરની પાસે ફટાકડા ફોડવાની ના પાડતા શખ્સે ઉશ્કેરાઈને વિપ્ર મહિલા તથા તેના ભાઈને અપશબ્દો બોલી લાકડી વડે તથા મુંઢ માર મારી પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી. જામનગરના વિકટોરીયા પુલ પાસે ફટાકડા ફોડવાની બાબતે સમજાવવા ગયેલા વૃધ્ધને પિતા અને બે પુત્રો સહિતના ત્રણ શખ્સોએ લાકડી વડે માર મારી ધમકી આપી હતી.
બનાવની વિગત મુજબ પ્રથમ બનાવ કાલાવડ ગામમાં સીનેમા રોડ પર વૃંદાવન ડેરીની સામે રહેતા ફાલ્ગુનીબેન હેમતલાલ ભટ્ટ (ઉ.વ.42) નામના મહિલાના ઘરની બાજુમાં રહેતાં હાર્દિક હરેશ ત્રિવેદી નામનો શખ્સ મહિલાના ઘર પાસે દિવાળીની રાત્રિના સમયે ફટાકડા ફોડતો હતો. જેથી મહિલા અને તેના ભાઈ યોગેશ બન્નેએ હાર્દિકને ફટાકડા ફોડવાની ના પાડતા ઉશ્કેરાયેલા હાર્દિક ત્રિવેદીએ મહિલા અને તેના ભાઈને જેમ ફાવે તેમ અપશબ્દો બોલી લાકડી વડે માર માર્યો હતો અને મુંઢ માર મારી લોહી લુહાણ કરી નાખ્યા હતાં અને પતાવી દેવાની ધમકી પણ આપી હતી. હુમલો કરી ધમકી આપ્યાના બનાવમાં ઘવાયેલા ભાઈ-બહેનને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં બનાવની જાણ થતા હેકો વી.ડી.ઝાપડીયા તથા સ્ટાફે ફાલ્ગુનીબેનના નિવેદનના આધારે હાર્દિક વિરૂધ્ધ ગુનો નોંધી ધરપકડ માટે શોધખોળ આરંભી હતી.
બીજો બનાવ, જામનગર શહેરના વિકટોરીયા પુલ પાસે આવેલા ભારતવાસ શેરી નં.7 માં રહેતાં હમીરભાઈ ચનાભાઈ મકવાણા નામના પ્રૌઢના પૌત્રને ફટાકડા ફોડવાની બાબતે હરીશે ઝાપટ મારતા હમીરભાઇ હરીશને સમજાવવા ગયા હતાં તે સમયે હરીશ લખુ ખાણીયા અને તેના બે પુત્રો અજય હરીશ ખાણીયા અને ચિરાગ હરીશ ખાણીયા સહિતના ત્રણ શખ્સોએ એકસંપ કરી વૃધ્ધ ઉપર લાકડી વડે હુમલો કરી ઢીકાપાટુનો માર મારી વૃધ્ધા ઉપર છરીનો ઘા ઝીંકયો હતો. તેમજ ત્રણેય શખ્સોએ વૃધ્ધને પતાવી દેવાની ધમકી આપી હતી. હુમલાના બનાવમાં ઘવાયેલા વૃધ્ધ દંપતીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. બનાવની જાણના આધારે પીએસઆઇ વી.આર. ગામેતી તથા સ્ટાફે વૃધ્ધ હમીરભાઈના નિવેદનના આધારે ગુનો નોંધી તપાસ આરંભી હતી.