જામનગર શહેરના શંકરટેકરી વિસ્તારમાં રહેતી યુવતીના ઘરની બહાર બાઉન્ડ્રીની દિવાલ તોડતી બે મહિલાઓને સમજાવવા જતા બન્ને મહિલાઓએ યુવતી ઉપર કોસ વડે હુમલો કરી ઢીકાપાટુનો માર માર્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં શંકરટેકરી વિસ્તારમાં શંકરના મંદિર પાસે રહેતા શાંતિબેન દિનેશભાઈ શર્મા નામની યુવતીના ઘર બહાર બાઉન્ડ્રીની દિવાલ બનાવેલી હતી. જે મંગળવારે સવારના સમયે તેના જ વિસ્તારમાં રહેતી નુરજહાબેન અલી બ્લોચ અને નગમાબેન નામની બે મહિલાઓ આ દિવાલ કોસથી તોડતા હતાં ત્યારે યુવતી અને તેની માતા બન્ને મહિલાઓને સમજાવવા ગઈ હતી જેથી બન્ને મહિલાઓએ ઉશ્કેરાઇને તેમની પાસે રહેલી કોસ વડે યુવતી ઉપર હુમલો કરી ઢીકાપાટુનો માર માર્યો હતો અને યુવતી તથા તેેની માતાને અપશબ્દો કહ્યા હતાં. હુમલામાં ઘવાયેલી યુવતીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. બનાવની જાણના આધારે હેકો એચ.એ. પરમાર તથા સ્ટાફે બે મહિલાઓ વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ આરંભી હતી.