જામનગર શહેરના દિગ્જામ સર્કલ પાસેના હનુમાન ટેકરી વિસ્તારમાં રહેતાં આધેડના ઘર ઉપર પથ્થરનો ઘા કરનાર શખ્સે આધેડ અને તેની પુત્રી ઉપર લોખંડના પાઈપ વડે હુમલો કરી ઈજા પહોંચાડયાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
આ બનાવ અંગેની વિગત મુજબ જામનગર શહેરના દિગ્જામ સર્કલ પાસેના હનુમાન ટેકરી વિસ્તારમાં રહેતાં મુળજીભાઈ દાનાભાઈ મોભેરા નામના આધેડના ઘર ઉપર ગત શનિવારે રાત્રિના સમયે પથ્થરનો ઘા દરવાજા ઉપર કરાયો હતો. જેથી મુળજીભાઈએ આ મામલે તેના જ વિસ્તારમાં રહેતાં મોહન ઉર્ફે ગડો પરબત ધવડને પૂછપરછ કરતાં મોહને ઉશ્કેરાઈને આધેડને અપશબ્દો બોલી લોખંડના પાઈપ વડે માર માર્યો હતો. તેમજ આધેડની પુત્રીએ અપશબ્દો બોલવાની ના પાડતા તેના ઉપર લોખંડના પાઈપ વડે હુમલો કરી બન્ને પિતા-પુત્રીને ઈજા પહોંચાડી હતી. ત્યારબાદ ઈજાગ્રસ્ત પિતા-પુત્રીને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં આ અંગેની જાણ કરાતા પીએસઆઈ કે.કે. નારિયા તથા સ્ટાફે ઈજાગ્રસ્ત મુળજીભાઈના નિવેદનના આધારે મોહન વિરૂધ્ધ ગુનો નોંધી ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.